લોકસભા ચૂંટણીઃ વરુણ ગાંધી અન્ય પાર્ટીમાં જોડાવવા અંગે મેનકા ગાંધીએ આપ્યું આ નિવેદન
પીલીભીત (ઉત્તર પ્રદેશ): અહીંની પીલીભીત લોકસભા મતવિસ્તારમાં છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમય સુધી પોતાનો દબદબો ધરાવનારા મા-દીકરા એટલે કે મેનકા ગાંધી અને વરુણ ગાંધી આ વખતે આ બેઠક માટેના ચૂંટણી જંગમાંથી બહાર છે. વરુણ ગાંધીની ટિકિટ રદ્દ કર્યા બાદ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પોતાના નવા ઉમેદવાર જિતિન પ્રસાદને અહીં જીતાડવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.
બીજી બાજુ વરુણ ગાંધી સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસમાં સામેલ થાય એવી અટકળો પર જોર પક્ડયું છે. આ મુદ્દે મેનકા ગાંધીએ કહ્યું હતું કે વરુણ કોઈ પાર્ટીમાં જોડાય એના અંગે કોઈ જાણકારી નથી પણ મને એના પર ગૌરવ છે. તેને પોતાની જિંદગીમાં પણ બહુ સમજણપૂર્વક કામ કર્યું છે.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણીઃ પ્રશાંત કિશોરે I.N.D.I.A. ગઠબંધનની ચિંતા વધારી, જાણો ‘પીકે’ના મોટા દાવા
ભાજપ આ પ્રતિષ્ઠિત બેઠક પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે અહીં એક ચૂંટણી રેલીને સંબોધશે. મેનકા ગાંધી અને વરુણ ગાંધી 1996થી પીલીભીત બેઠક પર ભાજપનો ઝંડો લહેરાવી રહ્યા છે, પરંતુ આ વખતે પાર્ટીએ સાંસદ વરુણ ગાંધીને બદલે રાજ્યના જાહેર બાંધકામ મંત્રી જિતિન પ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે. પીલીભીતમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે.
જિતિન પ્રસાદે 2004 અને 2009માં કોંગ્રેસની ટિકિટ પર અનુક્રમે શાહજહાંપુર અને ધૌરહરા મતવિસ્તારમાંથી લોકસભા ચૂંટણી જીતી હતી. તેઓ 2021માં ભાજપમાં જોડાયા હતા. આ લોકસભાની ચૂંટણી લડનાર ઉત્તર પ્રદેશમાંથી તેઓ એકમાત્ર કેબિનેટ મંત્રી છે. જોકે, ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય પ્રસાદને પીલીભીતમાં પોતાનું રાજકીય મેદાન બનાવવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે.
એક કૉલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ સુશીલ કુમાર ગંગવારે કહ્યું હતું કે પીલીભીતમાં જિતિન પ્રસાદનો બહુ ઓછો પ્રભાવ છે. અત્યાર સુધી તેમને ભાજપ દ્વારા અહીં ચૂંટણી માટે મેદાનમાં ઉતારેલા બહારના વ્યક્તિ તરીકે જોવામાં આવી રહ્યા છે. સ્થાનિક ગામના સરપંચ બાબુરામ લોધીએ કહ્યું હતું કે વરુણ ગાંધીનો પીલીભીત સાથે ખૂબ જૂનો અને ઊંડો સંબંધ છે. આ સંબંધ સીટ પરથી ટિકિટ ન મળ્યા બાદ તેમણે લખેલા ભાવનાત્મક પત્રમાં પ્રતિબિંબિત થાય છે.
આ પણ વાંચો : RJD નેતા તેજસ્વી યાદવનો PM મોદીને જવાબ, ‘ભાજપના નેતા ખુદને ભગવાન ન સમજે’
સાંસદ તરીકે ઘણી વખત પોતાની જ સરકાર સામે અવાજ ઉઠાવનાર વરુણ ગાંધીએ ટિકિટ ન મળવા પર પોતાના મતવિસ્તારના લોકોને એક ભાવુક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તેમની સાથે તેમનો સંબંધ છેલ્લા શ્વાસ સુધી અકબંધ રહેશે. વર્તમાન સાંસદે કહ્યું કે પીલીભીત સાથેનો તેમનો સંબંધ પ્રેમ અને વિશ્વાસનો છે, જે કોઈપણ રાજકીય લાભ કે નુકસાનથી ઉપર છે.
1989માં જનતા દળની ટિકિટ પર મેનકા ગાંધી પહેલીવાર પીલીભીત લોકસભા સીટ પરથી જીત્યા હતા, પરંતુ તેમને 1991માં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ 1996ની ચૂંટણીમાં તેઓ ફરીથી જીત્યા હતા. તે ફરીથી 1998 અને 1999માં અપક્ષ ઉમેદવાર તરીકે તે જ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવી હતી. તેઓ 2004 અને 2014માં ભાજપના ઉમેદવાર તરીકે બેઠક જીત્યા હતા. તેમના પુત્ર વરુણ ગાંધી 2009 અને 2019માં ભાજપના ઉમેદવાર તરીકે પીલીભીતથી સાંસદ બન્યા હતા.
મેનકા ગાંધી આ વખતે ફરી એકવાર સુલતાનપુરથી ચૂંટણી લડી રહ્યા છે જ્યાં તેઓ 2019માં ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા હતા. જોકે જિતિન પ્રસાદે દાવો કર્યો હતો કે તેમને પાર્ટી સંગઠનનું સંપૂર્ણ સમર્થન છે, પરંતુ સ્થાનિક લોકોનો દાવો છે કે વરુણની નજીકના લોકો ભાજપના નિર્ણયથી ખુશ નથી.