લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસ પ્રમુખના જમાઇ ગુલબર્ગા બેઠકના પ્રબળ દાવેદાર
બેંગલુરુઃ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના જમાઇ રાધાકૃષ્ણ ડોડ્ડામણી કર્ણાટકની ગુલબર્ગા બેઠક પરથી આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીની ટિકિટ માટે પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. ૮૧ વર્ષીય ખડગે ગુલબર્ગા(કલબુર્ગી) લોકસભા બેઠક પરથી બે વખત જીત્યા છે, પરંતુ ૨૦૧૯ની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ ખડગે કલબુર્ગીથી ચૂંટણી લડવાની તરફેણમાં ન હોવાના સમાચારને સમર્થન આપતા કહ્યું કે રાજ્યસભામાં વિપક્ષના નેતા પાસે ઘણી જવાબદારીઓ છે. રાષ્ટ્રીય સ્તરે પક્ષની બાબતોનું સંચાલન કરવા ઉપરાંત તેમણે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.) ગઠબંધનના ભાગીદારો સાથે સંકલન કરવાનું છે. તે ઉપરાંત, રાજ્યસભામાં તેમની પાસે તેમના કાર્યકાળના ૪ વર્ષ કરતાં વધુનો સમય બાકી છે.
તેમના પુત્ર પ્રિયંક ખડગે ગુલબર્ગા ક્ષેત્રમાં ચિત્તપુર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને કર્ણાટકમાં સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની સરકારમાં મંત્રી છે. તેમને લોકસભાની ચૂંટણી લડવામાં પણ રસ નથી. પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરતા વેપારી ડોડ્ડામણી પ્રમુખ દાવેદાર હોય તેવું લાગે છે.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના ટોચના નેતાઓ સાથે ચર્ચા કરીને ચૂંટણી લડવી કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેશે. માત્ર ખડગે જ અંતિમ નિર્ણય લેશે કે ડોડ્ડામણી ગુલબર્ગાથી ઉમેદવાર હશે કે અન્ય કોઇ. ડોડ્ડામણી શરૂઆતમાં ચૂંટણી લડવા તૈયાર નહોતા. તેમને આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.
ગુલબર્ગા લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. વર્ષ ૨૦૧૯ પહેલા તેને આ સીટ પરથી ૧૯૯૬ અને ૧૯૯૮માં હાર મળી હતી. ગુલબર્ગામાં આઠ વિધાનસભા બેઠકો છે. જેમાંથી છ કોંગ્રેસ પાસે છે, જ્યારે ભાજપ અને જનતા દળ-સેક્યુલર પાસે એક-એક બેઠક છે.