નેશનલ

લોકસભા ચૂંટણી: મતદારો વોટર આઈડી સિવાય આ 12 વૈકલ્પિક ડોક્યુમેન્ટનો પણ કરી શકશે ઉપયોગ

દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ અને ટૂંક સમયમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. દેશમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો મતદાન કરવા પાત્ર છે. તમામ મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળે તે માટે ચૂંટણી પંચે મતદારો માટે સ્વીકાર્ય ઓળખ દસ્તાવેજોનું વિસ્ટ વધાર્યું છે. મતદારો હવે મતદાર ID ઉપરાંત, અન્ય 12 વૈકલ્પિક દસ્તાવેજોનો ઉપયોગ પણ મતદાન કરવા માટે કરી શકશે. જો કે તે માટે મતદાન યાદીમાં મતદારનું નામ હોવું અનિવાર્ય છે.

ચૂંટણી પંચે આગામી લોકસભા ચૂંટણીઓ અને વિવિધ રાજ્યોમાં વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે મતદારો માટે સ્વીકાર્ય ઓળખ દસ્તાવેજોની યાદીનો વિસ્તાર કર્યો છે. ઇલેક્ટર્સ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (EPIC) રજૂ કરવાની ફરજિયાત જરૂરિયાત ઉપરાંત, મતદારો હવે તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે 12 વૈકલ્પિક દસ્તાવેજોનો પણ ઉપયોગ કરી શકશે.

આપણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: હિમાચલના નવ માજી વિધાનસભ્યો ભાજપમાં જોડાયા

આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરાયેલ ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ જારી કરાયેલ આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ભારતીય પાસપોર્ટ, સેવા ઓળખ કાર્ડનો સમાવેશ થાય છે.

કેન્દ્ર/રાજ્ય સરકાર/પીએસયુ દ્વારા કર્મચારીઓને જારી કરાયેલ ફોટોગ્રાફ, સાંસદ/ધારાસભ્ય/એમએલસીને જારી કરાયેલ માન્ય ઓળખ કાર્ડ અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જારી કરાયેલું યુનિક ડિસેબિલિટી ID (UDID) કાર્ડનો પણ સમાવેશ થાય છે.

એકવાર ખાતરી થઈ જાય કે મતદાતાનું નામ મતદાર યાદીમાં છે, ત્યાર બાદ તે મતદાતા મતદાર ID કાર્ડના વિકલ્પ તરીકે આ 12 સત્તાવાર દસ્તાવેજોનો ઉપયોગ કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button