લોકસભા ચૂંટણી 2024: હિમાચલના નવ માજી વિધાનસભ્યો ભાજપમાં જોડાયા

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં ભારે રાજકીય ધમાલ બાદ નવ ભૂતપૂર્વ વિધાનસભ્યો શનિવારે ભાજપમાં જોડાઈ ગયા હતા. આમાં કૉંગ્રેસના ગેરલાયક ઠેરવાયેલા છ વિધાનસભ્યો અને રાજીનામું આપનારા ત્રણ અપક્ષ વિધાનસભ્યોનો સમાવેશ થાય છે.
ભૂતપૂર્વ વિધાનસભ્યોએ રાજ્યની મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુની સરકારની જોરદાર ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે તેઓ સત્તામાં આવ્યા ત્યારથી વિકાસના કામો ઠપ થઈ ગયા છે.
તેમણે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર, હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જય રામ ઠાકુર, રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી અરુણ સિંહ અને રાજ્ય એકમના અધ્યક્ષ રાજીવ બિંદાલની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
આપણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: કૉંગ્રેસ અમેઠી અને રાયબરેલીથી કોને ઉતારશે?
ભૂતપૂર્વ વિધાનસભ્યોને પક્ષમાં આવકારતાં અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે તેમની હાજરીથી ભાજપની તાકાતમાં વધારો થશે. તેમણે રાજ્યની કૉંગ્રેસ સરકારની ટીકા કરાતં કહ્યું હતું કે રાજ્યની સરકાર પોતાના વચનો પૂરાં કરવામાં નિષ્ફળ નીવડી છે, જેને કારણે લોકોમાં આક્રોશની લાગણી જોવા મળે છે.
અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ભૂતપૂર્વ વિધાનસભ્યોમાંથી છ કૉંગ્રેસના હોવા છતાં રાજ્યસભાની ચૂંટણીમાં તેમણે ભાજપનો સાથ આપ્યો હતો, કેમ કે તેઓ સામાન્ય લોકોમાં સુખુ સરકાર સામે રહેલા આક્રોશને દર્શાવવા માગતા હતા.
આપણ વાંચો: લોકસભા સંગ્રામ 2024: દિવ્યાંગ મતદારોની સુવિધા માટે ચૂંટણી પંચે બનાવી આ એપ
ભાજપમાં જોડાયેલા કૉંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્યોમાં સુધીર શર્મા, રવિ ઠાકુુર, રાજીન્દર રાણા, ઈન્દર દત્ત લખનપાલ, ચેતન્ય શર્મા અને દેવિન્દર કુમાર ભૂટ્ટોનો સમાવેશ થાય છે. બધાને 29 ફેબ્રુઆરીએ પાર્ટીના વ્હિપની અવગણના કરવા બદલ અપાત્ર ઠેરવવામાં આવ્યા હતા.
આશિષ શર્મા, હોશિયાર સિંહ અને કે. એલ. ઠાકુર જેઓ અપક્ષ તરીકે ચૂંટાયા હતા અને શુક્રવારે રાજીનામું આપ્યું તેઓ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. (પીટીઆઈ)