Lok Sabha 2024: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ભારતમાં મતદાન માટે Googleનું ખાસ ડૂડલ

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકસભાની ચૂંટણીનો આજે બીજો તબક્કો છે. એવા સમયે ગૂગલ ડૂડલે ભારતમાં શાહીના માર્કવાળી તર્જની આંગળી દર્શાવીને મતદાનના બીજો તબક્કાની ઉજવણી કરી હતી . આ પ્રતીકાત્મક રજૂઆત દેશમાં ચાલી રહેલી મતદાન પ્રક્રિયાને દર્શાવે છે.
ડૂડલ પર ક્લિક કરીને, વપરાશકર્તાઓને ભારતમાં ચૂંટણીઓ પર નવીનતમ અપડેટ્સ સંબંધિત શોધ પરિણામો તરફ નિર્દેશિત કરવામાં આવે છે. 18મી લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી 88 બેઠકો પર મતદાન શરૂ થયું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બંનેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મેસેજ કરી નાગરિકોને રેકોર્ડ સંખ્યામાં મતદાનમાં ભાગ લેવા અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ દરેક મતના મહત્વ પર ભાર મૂક્યો, યુવા અને મહિલા મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી હતી, જ્યારે અમિત શાહે નાગરિકોને એક મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ રાષ્ટ્ર માટે તેમના મતના અધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રક્રિયામાં યોગદાન આપવા અપીલ કરી હતી.
લોકસભાની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન થવાનું છે. આજે મતદાનનો બીજો તબક્કો છે. ચાર જૂને મતગણતરી કરવામાં આવશે.