જયપુરઃ લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર દેશમાં ચૂંટણીની મોસમ જામી રહી છે. અન્ય રાજ્યોની માફક રાજસ્થાન પણ ચૂંટણીના રંગમાં રંગાયું છે ત્યારે બિકાનેરની સીટ પર સત્તાધારી, વિરોધી પાર્ટી અને અન્ય પાર્ટીએ પણ એક જ સમુદાયના ત્રણ અલગ અલગ ઉમેદવારને ઊભા રાખ્યા છે
આ વખતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ચોથી વખત અર્જુનરામ મેઘવાલને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપવા માટે મેઘવાલનું કાર્ડ રમીને પૂર્વ પ્રધાન ગોવિંદરામ મેઘવાલને ટિકિટ આપી છે. તો બહુજન સમાજવાદી પાર્ટીએ ખેતરામ મેઘવાલને ટિકિટ આપી છે. એક જમાનામાં ધર્મેન્દ્ર પણ અહીંની સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા એ સીટ અત્યારે ચર્ચામાં છે.
સૌથી રસપ્રદ વાત એ છે કે ત્રણેય ઉમેદવાર એક જ સમુદાયના છે, પરંતુ ત્રણેય ઉમેદવારના નામમાં આવતા રામ શબ્દ સંયોગથી સમાન છે, જેથી આ બેઠક પરની ચૂંટણી વધુ રસપ્રદ રહી શકે છે. 2004ની ચૂંટણીમાં ભાજપે બિકાનેર સીટ પરથી ધર્મેન્દ્રને મેદાનમાં ઉતાર્યા હતા અને જીત્યા હતા. 2009માં અર્જુન રામ મેઘવાલે જીત મેળવી હતી, જ્યારે હજુ પણ તેઓ સાંસદ છે.
આ વખતની ચૂંટણીના મેદાનમાં ભાજપના અર્જુન રામ મેઘવાલ, કોંગ્રેસના ગોવિંદ રામ મેઘવાલ અને બસપના ખેત રામ મેઘવાલની ટક્કર રહેશે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના અર્જુન રામ મેઘવાલે કોંગ્રેસના મદન ગોપાલ મેઘવાલને મોટા માર્જિનથી હરાવ્યા હતા. બિકાનેર લોકસભા સીટમાં આઠ વિધાનસભાની બેઠક છે, જેમાં બે કોંગ્રેસ અને છ સીટ પર ભાજપનો કબજો છે.
બિકાનેરની સંસદીય સીટ પર અત્યાર સુધીમાં 17 વખત લોકસભાની ચૂંટણી થઈ છે, જેમાં પૂર્વ મહારાજ કરણી સિંહ અપક્ષના ઉમેદવારી નોંધાવીને પણ પાંચ વખત જીત્યા હતા. 1977ની ચૂંટણીમાં જનતા પાર્ટીના હરિરામે જીત મેળવી હતી. 1996માં ભાજપે ખાતુ ખોલ્યું હતું અને મહેન્દ્ર સિંહ ભાટી વિજયી બન્યા હતા, પરંતુ બે વર્ષ પછી આ સીટ કોંગ્રેસના હાથમાં ગઈ હતી. દિગ્ગજ નેતા બલરામ જાખડ પણ જીત્યા હતા, ત્યારપછી 1999માં કોંગ્રેસના રામેશ્વર લાલ વિજયી બન્યા હતા.
રાજસ્થાનનું બિકાનેર ખાસ કરીને રાજા-રજવાડાની વિરાસત સાથે બિકાનેરી સેવ-મિઠાઈથી જાણીતું છે. રાવ કે રાજા બિકા દ્વારા બનાવવામાં આવેલા શહેરને તમે જાણતા નહીં હોય, પરંતુ બિકાનેરના ભુજિયા-સેવને તો ચોક્કસ ખાધું હશે. આ શહેર હેરિટેજની દૃષ્ટિએ પણ પ્રવાસીઓ માટે સૌથી મોટું નજરાણું છે. બીજી મોટી ઓળખ આપીએ તો 25,000 ઉંદરથી જાણીતા કરણી માતાનું ચમત્કારિક મંદિર પણ બિકાનેરમાં આવેલું છે. રણમાં વસેલા રાજસ્થાનના બિકાનેરનો ઈતિહાસ પણ રસપ્રદ છે. આ શહેર પર અનેક રાજા-મહારાજાઓ શાસન કર્યું હતું, જ્યારે શહેરની પરંપરા પણ દુનિયામાં જાણીતી છે. મહાભારતના યુગમાં તેનું નામ જાંગલ દેશ તરીકે ઓળખાતું અને રાવ બીકાજી જોધપુર રિયાસતના રાજ કુમાર હતા.