નવી દિલ્હીઃ રામ મંદિરના મહોત્સવ બાદ હવે તમામ રાજકીય પક્ષોનું ધ્યાન આવનારી ચૂંટણી પર કેન્દ્રીત થયું છે ત્યારે સોશિયલ મીડિયા પર એક તારીખ વાયરલ થઈ રહી છે. મોદી સરકારની બીજી ટર્મ મે મહિનામાં પૂરી થઈ રહી છે અને હેટ્રિક કરવા માટે ભાજપ જોર લગાવી રહ્યું છે. આ બધા વચ્ચે લોકસભાની ચૂંટણીની તારીખ વાયરલ થઈ છે. 16મી એપ્રિલે મતદાન હોવાનું આ મેસેજ જણાવે છે. જોકે આ મેસેજ વાયરલ થતાં જ ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે.
પંચે કહ્યું કે ચૂંટણીની તૈયારીઓ માટે સંભવિત તારીખો સૂચવવામાં આવી છે. જ્યારે પંચ દ્વારા નિર્ણય લેવામાં આવે છે ત્યારે તેની માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપવામાં આવે છે. આ માત્ર એક સૂચન છે અને તે જ તારીખે ચૂંટણી થાય તે જરૂરી નથી. આ તારીખ માત્ર યોજનાઓ સમયસર પૂર્ણ થાય તે માટે આપવામાં આવી છે. આ તારીખ અધિકારીઓને તૈયારી કરવાનો પૂરતો સમય મળે અને તેઓ તૈયાર રહે તે માટે આપવામાં આવી છે.
જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે સ્પષ્ટતા કરી હતી કે ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા પ્લાનર મુજબ તારીખનો ઉલ્લેખ માત્ર આયોજનના સંદર્ભ તરીકે કરવામાં આવ્યો હતો. મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય પર પોસ્ટ કરવામાં આવ્યું છે તે સંભવિત મતદાન દિવસ છે. જોકે તેમના આ પરિપત્ર બાદ ચૂંટણી એપ્રિલના બીજા કે ત્રીજા અઠવાડિયામાં હોવાનું અનુમાન લગાવી શકાય તેમ છે.