નેશનલ

LoC નજીકના ગામના રહેવાસીઓ ‘મોદી બંકર’માં શરણ લઇ રહ્યા છે; જાણો કેમ આપવામાં આવ્યું આવું નામ…

શ્રીનગર: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સીમા પર તણાવ વધી ગયો છે. જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના લાઈન ઓફ કંટ્રોલ (LoC) પાસે આવેલા ગામોના રહેવાસીઓમાં હાલ ગભરાટનો માહોલ છે. ગ્રામજનો કોઈપણ સંભવિત જોખમ સામે રક્ષણ માટે ભૂગર્ભ બંકરોમાં અસરો લઇ રહ્યા છે. પાકિસ્તાની સૈન્ય ચોકીઓની નજીક આવેલા સલોત્રી અને કરમર્હા જેવા વિસ્તારોના રહેવાસીઓ સાવચેતીના પગલા ભરી રહ્યા છે અને લોકો બંકરોમાં જરૂરી સામગ્રીનો સ્ટોક કરી રહ્યા છે. વર્ષોની શાંતિ બાદ હવે ફરી સીમા પર સંઘર્ષની શક્યતા છે. સંઘર્ષની સ્થિતિમાં રક્ષણ મેળવવા માટે ગ્રામજનો બંકરમાં ધાબળા, પલંગ અને અન્ય જીવનજરૂરીયાત વસ્તુઓ ગોઠવી રહ્યા છે.

કર્માર્હા ગામના એક રહેવાસીએ એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે લોકો બંકરો ભૂલી ગયા હતા. હવે બંકરો ફરીથી સાફ કરવામાં આવી રહ્યા છે. ભયનું વાતાવરણ છે, પરંતુ અમને આશા છે કે ખીણમાં ફરી શાંતિ પ્રવર્તશે. ગામજનો પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી રહ્યા છે અને ભારતીય સૈન્યને સમર્થન વ્યક્ત કરી રહ્યા છે. ગ્રામજનોએ પોતાના જીવના ભોગે પણ સેનાને મદદ કરવાની તૈયારી દર્શાવી છે. એક ગામવાસીએ જણાવ્યું કે “પહેલાં, આ વિસ્તારમાં ગોળીબારની ઘટનાઓ બનતી હતી. અમારું ગામ LoCની નજીક આવેલું છે. અમે બંકરો સાફ કરી રહ્યા છીએ જેથી ગોળીબારની ઘટનાઓ દરમિયાન અમે અમારા પરિવારને સુરક્ષિત સ્થાન પર ખસેડી શકીએ. આવા બંકરો પૂરા પાડવા બદલ અમે કેન્દ્ર સરકારના આભારી છીએ,”

‘મોદી બંકર’ તરીકે કેમ ઓળખાય છે?
અહેવાલ મુજબ સ્થાનિક લોકો આ બંકરને ‘મોદી બંકર’ તરીકે ઓળખાવે છે. કેમ કે મોટા ભાગના બંકરો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા બનવવામાં આવ્યા છે. અગાઉ આ બંકરોએ સરહદ પારથી થતી ગોળીબાર દરમિયાન જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સરકારે અગાઉ પૂંછ, રાજૌરી, બારામુલ્લા અને કુપવાડા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વ્યક્તિગત અને સામુદાયિક બંકરો બનાવવા માટે નાણાકીય સહાય અને ટેકનીકલ સહાયની આપી હતી.
આ બંકરોનો વર્ષોથી ઉપયોગ કરવામાં આવ્યો નથી. હાલ આ પ્રદેશમાં સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે, અને વહીવટીતંત્રે નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી છે. વધતા તણાવ સાથે, રહેવાસીઓએ આ બંકર ફરી રહેવા માટે તૈયાર કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button