રામ મંદિરને લઈને લાલકૃષ્ણ અડવાણીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન…..

નવી દિલ્હી: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઘણા મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું જો કે તેમની ઉંમરના કારણે હજુ પણ તેઓ આ સમારોહમાં હાજરી આપશે કે નહિ તેની અટકળો ચાલી રહી છે. આ તમામ અટકળો વચ્ચે લાલકૃષ્ણ અડવાણીએ એક મહત્વનું નિવેદન આપ્યું હતું.
લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે નિયતીએ નક્કી કર્યું હતું કે શ્રી રામનું મંદિર અયોધ્યામાં ચોક્કસપણે બનાવવામાં આવશે. અને જ્યારે નિયતિ કંઇ નક્કી કરે છે તો આપણે તે બદલી શકતા નથી. તેમજ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા કરશે ત્યારે તેઓ દરેક ભારતીયનું પ્રતિનિધિત્વ કરશે. અને હું પ્રાર્થના કરું છું કે આ મંદિર તમામ દેશ વાસીઓ માટે પ્રેરણારૂપ બને અને તમામ ભારતીયોને શ્રી રામના ગુણો અપનાવે.
લાલ કૃષ્ણ અડવાણીએ ખાસ ભાર આપીને કહ્યું હતું કે રથયાત્રા શરૂ થયાના થોડા દિવસો પછી મને સમજાયું કે હું તો માત્ર એક સારથિ છું. રથયાત્રાનો મુખ્ય સંદેશવાહક તો રથ પોતે હતો અને એ રથ જ પૂજા માટે યોગ્ય હતો કારણ કે તેમાં પ્રભુ રામ બિરાજવાના હતા અને તેમાં સવાર થઈને પ્રભુ રામ અયોધ્યા પહોંચવા હતા. આ ઉપરાંત તેમણે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં સમારોહમાં હાજરી આપશે એમ પણ જણાવ્યું હતું.
જો કે આ પહેલા વિશ્વ હિન્દુ પરિષદના વડા આલોક કુમારે દાવો કર્યો હતો કે રામ મંદિર આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર લાલ કૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે. નોંધનીય છે કે અડવાણીએ 1990ના દાયકાની શરૂઆતમાં રામ મંદિર આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.