દિલ્હીમાં લિયોનેલ મેસીનો જબરદસ્ત ક્રેઝ: ફેન્સની ભીડ, VIP મહેમાનોએ 1 કરોડ ચૂકવ્યા!

નવી દિલ્હીઃ વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર લિયોનેલ મેસીના આગમનથી હાલ આખું ભારત ફૂટબોલના રંગે રંગાયું છે. કોલકાતા અને મુંબઈ બાદ હવે રાજધાની દિલ્હીમાં પણ મેસીનો જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો.
દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં મેસીની એક ઝલક મેળવવા માટે ચાહકોની એવી ભીડ ઉમટી હતી કે સ્ટેડિયમ ખચાખચ ભરાઈ ગયું હતું. આર્જેન્ટિનાના આ સ્ટાર ફૂટબોલર મહેમાનગતિમાં સરકારે અને આયોજકોએ કોઈ કસર બાકી રાખી નથી. મેસીને દિલ્હીની આલિશાન ‘લીલા પેલેસ’ હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો છે, જ્યાં તેમના માટે આખો ફ્લોર બુક કરી દેવાયો છે.
આપણ વાચો: મેસી શા માટે ભારતમાં એક્ઝિબિશન મૅચ ન રમ્યો?
મેસીની મુલાકાતને લઈને દિલ્હીમાં એક અનોખો રોમાંચ જોવા મળ્યો હતો. મીડિયાના અહેવાલો મુજબ મેસીને મળવા અને તેમની સાથે માત્ર થોડી મિનિટો વાત કરીને શેકહેન્ડ કરવા માટે ખાસ કોર્પોરેટ અને VIP મહેમાનોએ 1 કરોડ રૂપિયા સુધીની મોટી રકમ ચૂકવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ રકમ એટલી મોટી છે કે તેમાં મર્સિડીઝ કે ઓડી જેવી બે લક્ઝરી કાર ખરીદી શકાય. હોટેલના પ્રેસિડેન્શિયલ સ્યુટમાં રોકાયેલા મેસી અને તેમની ટીમ માટે પ્રતિ દિવસનો ખર્ચ આશરે 3.5 લાખથી 7 લાખ રૂપિયા હોવાનું મનાય છે.
ભારત મુલાકાત દરમિયાન મેસીને અનેક ખાસ ભેટ-સોગાદો પણ આપવામાં આવી હતી. ICCના વડા જય શાહે મેસી સાથે મુલાકાત કરી હતી અને તેમને આવતા વર્ષે યોજાનારા ટી20 વર્લ્ડ કપમાં ભારત અને અમેરિકા વચ્ચેની મેચની ટિકિટ ગિફ્ટમાં આપી હતી. આ ઉપરાંત, ભારતીય ક્રિકેટ ટીમની જર્સી અને એક ખાસ બેટ પણ તેમને સ્મૃતિચિહ્ન તરીકે ભેટ કરવામાં આવ્યું.
આપણ વાચો: મુંબઈ થયું મેસીમયઃ સચિને સુપરસ્ટાર ફૂટબોલરની મુલાકાતને સુવર્ણ ક્ષણો તરીકે ઓળખાવી
ફૂટબોલ અને ક્રિકેટના આ સંગમે રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો. દરમિયાન પાટનગરમાં દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા પણ પહોંચ્યા હતા, જ્યાં તેમની વિરુદ્ધ અમુક લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
અરુણ જેટલી સ્ટેડિયમમાં હાજર મેસીએ ભારતીય ચાહકોના ઉમળકાભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેણે ભાવુક સ્વરે કહ્યું કે, “ભારતમાં મને જે પ્રેમ મળ્યો છે તેનો હું કાયમ ઋણી રહીશ.
આ અમારા માટે ખૂબ જ યાદગાર ક્ષણ છે. અમે અહીંથી આ અઢળક પ્રેમ અમારી સાથે લઈ જઈ રહ્યા છીએ. મને આશા છે કે ભવિષ્યમાં હું ફરી એકવાર ભારત આવીશ અને અહીં મેચ પણ રમીશ.” મેસીના આ નિવેદને તેમના લાખો ભારતીય ચાહકોના દિલ જીતી લીધા છે.



