સંઘર્ષ દરમિયાન પાકિસ્તાન ચીનના હથિયારોની ‘લેબ’ હતું! ભારતીય સેનાના ડેપ્યુટી ચીફે કર્યો મોટો ખુલાસો

નવી દિલ્હી: 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસન સ્થળ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેતા ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને PoKમાં આવેલા આતંકવાદના કેન્દ્રોને નિશાન બનાવી એર સ્ટ્રાઈક કરી હતી. ત્યાર બાદ પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બંને પક્ષે 5 દિવસ સુધી સશસ્ત્ર સંઘર્ષ ચાલ્યો હતો. આ દરમિયાન પાકિસ્તાને ચીનની બનાવટના હથિયારોનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. ભારતના ડેપ્યુટી આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહ (Lieutenant General Rahul R Singh)એ ચીને પાકિસ્તાનને કરેલી મદદ અંગે મહત્વની જાણકારી આપી છે.
લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહે ચીન-પાકિસ્તાનના આ નાપાક નેક્સસનો પર્દાફાશ કર્યો છે. તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ચીને પાકિસ્તાનને દરેક શક્ય મદદ કરી. તેમણે કહ્યું કે સંઘર્ષ દરમિયાન, ચીન માટે પાકિસ્તાન શસ્ત્રોની પ્રયોગશાળા હતું.
આ પણ વાંચો: ભારતીય સેનાની શક્તિમાં વધારો: દુશ્મનની ઓળખ કરીને ટાર્ગેટ મારશે, જુઓ વીડિયો
પાકિસ્તાનને ચીનની પીઠબળ:
ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(FICCI) દ્વારા આયોજિત ‘ન્યૂ એજ મિલિટરી ટેક્નોલોજીસ’ કાર્યક્રમમાં બોલતા, લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહે કહ્યું, “એક સરહદ પર સંઘર્ષ ચાલી રહ્યો હતો પણ ત્રણ હરીફ હતાં. પાકિસ્તાન સામે હતું પણ ચીન તેને શક્ય તેટલી બધી મદદ પૂરી પાડી રહ્યું હતું. પાકિસ્તાનના 81% લશ્કરી હાર્ડવેર ચીની છે.”
ત્રીજો હરીફ તુર્કીએ:
તેમણે કહ્યું કે, ચીન પાકિસ્તાનને તેના હથીયારોની લાઈવ લેબ તરીકે ઉપયોગ કરી રહ્યું હતું, સંઘર્ષ દરમિયાન ચીનના હથિયારોનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે તુર્કીયેને સંઘર્ષ દરમિયાન ભારતના ત્રીજા હરીફ તરીકે ગણાવ્યું. તેમણે કહ્યું કે તુર્કયેએ પણ પાકિસ્તાનને દરેક પ્રકારનો ટેકો પૂરો પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ભારતને ભવિષ્ય માટે તૈયાર રહેવું પડશે:
તેમણે વધુમાં કહ્યું, “જ્યારે DGMO સ્તરની વાટાઘાટો ચાલી રહી હતી, ત્યારે પાકિસ્તાનને ચીન તરફથી આપણા મુખ્ય વેક્ટર્સના લાઇવ અપડેટ્સ મળતા હતા. આપણને એક મજબૂત એર ડિફેન્સની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવા પડકારોનો સામનો કરી શકાય. આપણી પાસે ઇઝરાયલ જેવો આયર્ન ડોમ નથી. ભારત માટે એ શક્ય નથી, કેમ કે આપણો દેશ ખૂબ જ વિશાળ છે અને એ સિસ્ટમ પાછળ ઘણા પૈસા ખર્ચ થાય છે. આપણે ભવિષ્ય માટે તૈયારી કરવી પડશે અને તૈયાર રહેવું પડશે. “