LICની દિવાળી ભેટ: મધ્યમ વર્ગ માટે બે નવી જોખમ-મુક્ત યોજના લોન્ચ, બચતનો માર્ગ મોકળો

નવી દિલ્હી: દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ દિવાળીના તહેવાર પહેલાં સામાન્ય અને મધ્યમ વર્ગ માટે બે નવી વીમા યોજનાઓ લોન્ચ કરીને ભેટ આપી છે.
આ બંને યોજનાઓ જોખમ મુક્ત છે અને તેનું શેરબજાર સાથે કોઈ જોડાણ નથી. LICએ આજે એક્સચેન્જ ફાઇલિંગમાં જાહેરાત કરી કે આ બંને યોજનાઓ 15 ઓક્ટોબરથી ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે. LIC ગ્રાહકો માટે કઈ બે યોજના લાવી છે આવો જાણીએ.
આપણ વાંચો: LIC એ સરકારને આપ્યું કરોડોનું ડિવિડન્ડ, વાર્ષિક સામાન્ય સભામાં કરી જાહેરાત…
LICની બે નવી વીમા યોજના
LIC દ્વારા ‘LIC જન સુરક્ષા યોજના’ અને ‘LIC વીમા લક્ષ્મી યોજના’ની જાહેરાત કરવામાં આવી છે. LIC જન સુરક્ષા યોજના ખાસ કરીને ઓછી આવક ધરાવતા અને આર્થિક રીતે નબળા વર્ગની જરૂરિયાતોને અનુરૂપ એક ઓછી કિંમતની માઇક્રો ઇન્શ્યોરન્સ યોજના છે. આ યોજનામાં ઓછું પ્રીમિયમ અને અનુકૂળ ચુકવણી વિકલ્પો ઉપલબ્ધ છે, જે આર્થિક રીતે નબળા વર્ગને સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી શરૂ કરવામાં આવી છે.
LIC વીમા લક્ષ્મી યોજના એક નવી જીવન વીમા અને બચત યોજના છે, જેનો હેતુ વ્યક્તિઓની વ્યાપક જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે. તે જીવન વીમાની સુરક્ષાની સાથે સાથે પરિપક્વતા (Maturity) અથવા બચતનો લાભ પણ આપશે. આ યોજના પણ નોન-પાર અને નોન-લિંક્ડ હોવાથી, ગ્રાહકને નિશ્ચિત વળતરની અપેક્ષા રાખી શકે છે.
આપણ વાંચો: આ તો સ્કેમ છેઃ ભારતનું પ્રથમ સત્તાવાર મોટું કૌભાંડ LIC થકી થયું હતું!
આ બંને યોજનાઓ બિન-ભાગીદાર અને નોન-લિંક્ડ છે. જેનો સ્પષ્ટ અર્થ છે કે તે બજારના પ્રદર્શન પર આધારિત નથી અને તેમાં કોઈ બોનસની જોગવાઈ નથી. આ યોજનાઓ મધ્યમ અને ઓછી આવક ધરાવતા લોકોને જોખમ મુક્ત રીતે વીમા અને બચતનો લાભ આપશે.
યોજનાઓની જાહેરાત બાદ LICના શેરમાં ઉછાળો
ઉલ્લેખનીય છે કે, બે નવી યોજનાઓની જાહેરાત બાદ LICના શેરના ભાવમાં ભારતીય શેરબજારના નબળા વલણને અવગણીને વધારો જોવા મળ્યો હતો. LICનો શેર રૂ.897.25ના અગાઉના બંધ ભાવની સામે રૂ. 904.15ની ઊંચી સપાટી અને રૂ.893.45ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
જોકે વર્ષ-થી-તારીખના (YTD) ધોરણે LICના શેરનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, પરંતુ છેલ્લા છ મહિનામાં આ જાહેર ક્ષેત્રના સાહસના શેરમાં 17 ટકાનો વધારો જોવા મળ્યો છે.