
ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)એ વિત્ત વર્ષ 2024-25 માટે કેન્દ્ર સરકારને ₹7,324.34 કરોડનું ડિવિડન્ડ આપ્યું છે. આ રકમ વિત્ત મંત્રી નિર્મલા સીતારમણને એક ચેક દ્વારા સોંપવામાં આવ્યું હતું.
આ ડિવિડન્ડની મંજૂરી 26 ઓગસ્ટ, 2025ના રોજ યોજાયેલી એલઆઈસીની વાર્ષિક સામાન્ય સભામાં આપવામાં આવી હતી. આ પગલું એલઆઈસીની નાણાકીય મજબૂતી અને જીવન વીમા ક્ષેત્રે તેની અગ્રણી સ્થિતિને દર્શાવે છે.

એલઆઈસીના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર આર. દોરાઈસ્વામીએ નાણાકીય સેવાઓ વિભાગના સચિવ એમ. નાગરાજુ, સંયુક્ત સચિવ પ્રશાંત કુમાર ગોયલ અને કંપનીના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં વિત્ત મંત્રીને ડિવિડન્ડ ચેક સોંપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 31 માર્ચ, 2025 સુધી એલઆઈસીનો એસેટ આધાર ₹56.23 લાખ કરોડ હતો, જે તેને ભારતના જીવન વીમા બજારમાં અગ્રેસર બનાવે છે.
એલઆઈસીનો શેર જુલાઈ 2025માં છેલ્લે એક્સ-ડિવિડન્ડ ટ્રેડ થયો હતો, જ્યારે કંપનીએ શેર દીઠ ₹12નું ડિવિડન્ડ આપ્યું હતું. આ વર્ષે અત્યાર સુધી કંપનીએ એક જ વખત ડિવિડન્ડ ટ્રેડ કર્યું છે.
2024માં એલઆઈસીએ જુલાઈમાં શેર દીઠ ₹6 અને ફેબ્રુઆરીમાં ₹4નું ડિવિડન્ડ આપ્યું હતું. કંપનીએ અત્યાર સુધી કુલ પાંચ વખત રોકાણકારોને ડિવિડન્ડનું વિતરણ કર્યું છે, જે તેની નાણાકીય સ્થિરતા દર્શાવે છે.
શુક્રવારે એલઆઈસીના શેરમાં લગભગ 2%નો ઘટાડો નોંધાયો અને તે ₹852.25ના સ્તરે બંધ થયો હતો. છેલ્લા છ મહિનામાં એલઆઈસીના શેરમાં 15%થી વધુની તેજી જોવા મળી છે, પરંતુ વાર્ષિક ધોરણે તેમાં 20%થી વધુનો ઘટાડો થયો છે. આમ છતાં, એલઆઈસીની મજબૂત નાણાકીય સ્થિતિ અને બજારમાં અગ્રણી સ્થાન તેને રોકાણકારો માટે આકર્ષક બનાવે છે.
આ પણ વાંચો…આ તો સ્કેમ છેઃ ભારતનું પ્રથમ સત્તાવાર મોટું કૌભાંડ LIC થકી થયું હતું!