દિલ્હી CM આતિશીએ એલજીને લખ્યો પત્ર, કહ્યું “દિલ્હીમાં તોડવામાં ન આવે કોઈપણ મંદિર કે ધાર્મિક સ્થળ”
નવી દિલ્હી: દિલ્હીમાં હવે ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીએ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે દિલ્હીમાં મંદિરો અને બૌદ્ધ ધાર્મિક સ્થળોને તોડવામાં ન આવે. મુખ્ય પ્રધાન આતિશીએ કહ્યું છે કે દલિતોની આસ્થા બૌદ્ધ ધાર્મિક સ્થળો સાથે જોડાયેલી છે.
આતિશીએ એલજીને લખ્યો પત્ર મુખ્ય પ્રધાન આતિશીએ કહ્યું, “એલજી સાહેબના આદેશ પર મંદિરો અને બૌદ્ધ ધાર્મિક સ્થળોને તોડી પાડવાની સૂચના આપવામાં આવી હતી. દિલ્હીમાં કોઈ મંદિર કે ધાર્મિક સ્થળને તોડવામાં ન આવવું જોઇએ. દલિતો બૌદ્ધ ધાર્મિક સ્થળોમાં આસ્થા ધરાવે છે અને કોઈપણ ધાર્મિક સ્થળને તોડી પાડવાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.” મુખ્ય પ્રધાને આતિશીએ દાવો કર્યો હતો કે ધાર્મિક સમિતિએ મંદિરને તોડી પાડવાની ફાઇલ મુખ્યમંત્રીને બતાવ્યા વિના એલજીને મોકલી દીધી છે.
Also read: આતિશી ૨૧ સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે…
આપનું “ધર્મ કાર્ડ” એવું માનવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ભાજપને તેના જ હથિયારથી ખતમ કરવાનું નક્કી કરી લીધું છે. બે દિવસ પહેલા અરવિંદ કેજરીવાલે પુજારી-ગ્રંથી સન્માન યોજનાની જાહેરાત કરી હતી અને મંગળવારે આતિશીના આ પત્રથી એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે AAP દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ધર્મની ધરી પર ભાજપ અને અન્ય પક્ષોને હરાવવા જઈ રહી છે.
એલજીએ છોડ્યો હતો લેટર બોમ્બ આ પહેલા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ પૂર્વ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના તાજેતરના નિવેદન અંગે મુખ્ય પ્રધાન આતિશીને પત્ર લખ્યો હતો. જેમાં એલજીએ કેજરીવાલ પર આતિશીને અસ્થાયી મુખ્યમંત્રી કહેવાનો આરોપ લગાવ્યો છે. એલજી સક્સેનાએ કહ્યું, “મને તે ખૂબ જ આપત્તિજનક લાગ્યું અને હું તેનાથી દુખી છું. આ માત્ર તમારું અપમાન નથી, પણ નિયુક્ત કરનાર મહામહિમ રાષ્ટ્રપતિ અને તેમના પ્રતિનિધિ તરીકે મારું પણ અપમાન છે.”