જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યના દરજ્જાનો માર્ગ મોકળો:પ્રસ્તાવને LGની મંજૂરી, અંતિમ નિર્ણય કેન્દ્રના હાથમાં

શ્રીનગર: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી રચાયેલી સીએમ ઓમર અબ્દુલ્લાની સરકારે ચૂંટણીમાં આપેલા વચનોને પૂર્ણ કરવા પર તેનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની કેબિનેટની પ્રથમ બેઠકમાં જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, જે પ્રસ્તાવને રાજ્યના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આજે મંજૂરી આપી દીધી છે. જો કે હવે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવાની આશાને વધુ બળ મળ્યું છે.
સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, આ પ્રસ્તાવમાં કેન્દ્ર સરકારને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. શનિવારે અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ અંગે સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘ગુરુવારે ઓમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યનો મૂળ દરજ્જો આપવાની માંગ કરતાં પ્રસ્તાવને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી, તે પ્રસ્તાવને લેફ્ટનન્ટ ગવર્નરે કેબિનેટના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હોવાની વાત અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : ED એ ટેન્ડર ગોટાળા કેસમાં IAS સંજીવ હંસ અને ધારાસભ્ય ગુલાબ યાદવની ધરપકડ કરી
પ્રવક્તાએ જણાવ્યું હતું કે પુનઃ રાજ્યનો દરજ્જો મળવો એ સુધારા પ્રક્રિયાની એક શરૂઆત હશે. આથી રાજ્યમાં બંધારણીય અધિકારો પુનઃસ્થાપિત થશે અને જમ્મુ અને કાશ્મીરના લોકોની ઓળખનું રક્ષણ કરશે. તેમણે કહ્યું કે કેબિનેટે મુખ્ય પ્રધાનને રાજ્યનો દરજ્જો આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકાર સાથે આ મુદ્દો ઉઠાવવા માટે અધિકૃત કર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરની આગવી ઓળખ અને લોકોના બંધારણીય અધિકારોનું રક્ષણ એ નવી ચૂંટાયેલી સરકારની નીતિનો આધાર છે.