જમ્મુ અને કાશ્મીરમાં સેનાને વધુ એક સફળતા; એન્કાઉન્ટરમાં LeTના 2 આતંકવાદીઓ ઠાર…

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, બે દિવસ પહેલા ઓપરેશન મહાદેવ હેઠળ શ્રીનગર પાસે ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતાં, હવે સેનાને વધુ એક સફળતા મળી છે. ગત મોડી રાત્રે પૂંચ વિસ્તારમાં સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી.
અહેવાલ મુજબ બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા (Two Terrorists killed in Poonch) છે, વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
અહેવાલ મુજબ પાકિસ્તાની આતંવાદીઓ લાઈન ઓફ કંટ્રોલ (LoC) ઓળંગીને ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હોવાની જાણ થતાં સિક્યોરિટી ફોર્સીઝે સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. અહેવાલ મુજબ ગત મોડી રાત્રે દેગવાર સેક્ટરના કલસિયાન-ગુલપુર વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. આજે સવારે સેનાએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા(LeT) સાથે સંકળાયેલા 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે.
આર્મીના વ્હાઇટ નાઈટ કોર્પ્સે X પર એક પોસ્ટ કરી આ એન્કાઉન્ટર અંગે જાણકારી આપી હતી. વ્હાઇટ નાઈટ કોર્પ્સે જણાવ્યું હતું કે તેમને પૂંછ સેક્ટરમાં બે શખ્સોની શંકાસ્પદ હિલચાલ જાણવા મળી હતી. પૂંચ સેક્ટરમાં ગોળીબાર ચાલુ છે, ઓપરેશન ચાલુ છે.
બાદમાં, ભારતીય સેના 16 કોર્પ્સે જાણકારી આપતા કહ્યું કે, ઘૂસણખોરી વિરોધી કાર્યવાહી દરમિયાન બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. નિવેદનમાં લખવામાં આવ્યું, “ઓપરેશન શિવશક્તિ: ઘૂસણખોરી વિરોધી સફળ કાર્યવાહીમાં, ભારતીય સેનાના સતર્ક સૈનિકોએ LoC પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર કર્યા,”
બે દિવસમાં બીજી મોટી સફળતા:
હજુ બે દિવસ પહેલા પહલગામ હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓના શ્રીનગર નજીક ઓપરેશન મહાદેવ હેઠળ ઠાર કરવામાં આવ્યા હતાં. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગઈકાલે લોકસભામાં જણાવ્યું હતું કે માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ – સુલેમાન, અફઘાની અને જિબ્રાન હતાં, આ ત્રણેયે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા હુમલામાં સામેલ હતાં.