Kuno national park માંથી ચિત્તો ભાગીને પહોંચ્યો રાજસ્થાન
ટોપ ન્યૂઝનેશનલ

Kuno national park માંથી ચિત્તો ભાગીને પહોંચ્યો રાજસ્થાન

ભોપાલઃ મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો નેશનલ પાર્ક(Kuno national park)માંથી એક નામીબિયાનો ચિત્તો(Cheetah) રાજસ્થાન ભાગી ગયો છે. રાજસ્થાનના કરૌલી જિલ્લાના કરણપુર વિસ્તારના સિમરા ગામમાં ચિત્તાએ પડાવ નાખ્યો છે અને તે લોકોથી છુપાઈને બેઠો હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે સવારે ચિત્તો આ વિસ્તારમાં ઘુસ્યો હોવાના સમાચારથી સમગ્ર વિસ્તાર અને આસપાસના ગામોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ચિત્તો ગામમાં ઘૂસ્યો હોવાની માહિતી મળતા જ વનવિભાગ અને પોલીસની ટીમ સિમરા ગામે પહોંચી તેને પકડવા પ્રયાસો હાથ ધરી રહી છે.

વન વિભાગ અને પોલીસે ગામ અને આસપાસના લોકોને સાવચેતી રાખવા અને ચિત્તાથી પૂરતું અંતર જાળવવા અપીલ કરી છે. વન વિભાગનું કહેવું છે કે મધ્યપ્રદેશના કુનો સફારી પાર્કમાંથી એક ચિત્તો ભટકીને કરૌલી પહોંચ્યો હોવાની માહિતી છે. વિભાગના અધિકારીઓએ કહ્યું કે તેને પકડીને કુનો નેશનલ પાર્ક પરત લઈ જવામાં આવશે. તે જ સમયે, લોકોએ જણાવ્યું કે શનિવારે સવારે કેટલાક લોકો ખેતરમાં જઈ રહ્યા હતા ત્યારે તેઓએ એક જંગલી પ્રાણી જોયું. તેને જોતાં જ તેઓ ડરીને ભાગી ગયા અને ગામમાં પાછા આવ્યા.

ગામમાં પ્રાણી ઘુસ્યાના સમાચાર સાંભળી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ગ્રામજનોએ વન વિભાગ અને પોલીસને વન્ય પ્રાણીના આગમનની જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ખેતરોમાં પંજાના નિશાન જોયા બાદ તેમણે પુષ્ટિ કરી હતી કે આ પ્રાણી નામીબિયન ચિત્તો છે. આ દરમિયાન મધ્યપ્રદેશના વન વિભાગની ટીમ પણ સિમરા ગામમાં પહોંચી હતી. ચિત્તાને શાંત પાડી કુનો પરત મોકલવાના પ્રયાસો હાથ ધરાયા છે. લોકોમાં ભયનો માહોલ છે. ચિત્તાને પકડવા માટે વન વિભાગની ટીમ પોલીસ સાથે કામ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ચિત્તાને જલ્દી જ પકડી લેવામાં આવશે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button