લીકર કેસઃ રિમાન્ડ મળ્યા પછી અરવિંદ કેજરીવાલે શું આપી પહેલી પ્રતિક્રિયા?
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સુપ્રીમ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયા કરે છે. ગઈકાલે ધરપકડ કરવામાં આવ્યા પછી આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા પછી કોર્ટે 28મી માર્ચ સુધીના રિમાન્ડ માન્ય કર્યા હતા.
રિમાન્ડ મળ્યા પછી કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપશે નહીં અને જેલમાંથી સરકાર ચલાવશે. ઈડીના રિમાન્ડ પછી કેજરીવાલે કહ્યું હતું કે હું મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપીશ નહીં અને નોબત આવી તો હું જેલમાંથી પણ સરકાર ચલાવીશ.
આજે અરવિંદ કેજરીવાલને રાઉઝ એવેન્યુ કોર્ટે 28મી માર્ચ સુધી ઈડીના રિમાન્ડ પર મોકલ્યા છે. કેજરીવાલના દસ દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ છ દિવસના રિમાન્ડ મળ્યા છે, તેથી આગામી હોળી-ધુળેટીના તહેવારો પણ કેજરીવાલને રિમાન્ડમાં ગાળવા પડશે.
આરોપી (કેજરીવાલ)ની ગઈકાલે રાતાના નવ વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પછી તેમના દસ દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ 28મી માર્ચ સુધીના રિમાન્ડ માન્ય રાખ્યા હતા.