Happy Birthday: ધૈર્ય, ટીકા-નિષ્ફળતાને પચાવવાની તાકાત અને સંઘર્ષની તૈયારી, યુવાનોએ આ નેતા પાસેથી ચોક્કસ શિખવા જેવું
કોઈપણ ક્ષેત્રમાં પરિવારના આધાર કે સાથ વિના ઝંપલાવવું અને સફળતા મેળવવી અઘરી છે. દરેક ક્ષેત્રમાં એવા ઘણા માંધાતાઓ છે જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું છે અને પોતાને જોરે આગળ આવ્યા છે. રાજકારણ પણ આનાથી વેગડું નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડી અનેક નેતા એવા છે જેમણે ખૂબ સંઘર્ષ કરી આ રસ્સીખેંચમાં કે ખુરશીખેંચમાં જીત મેળવી છે.
પણ જ્યારે તમારો પરિવાર જે તે ક્ષેત્રમાં સૌથી વધારે પ્રતિષ્ઠા ધરાવતો હોય અને પેઢીઓથી તેમનું રાજ હોય ત્યારે તમારો સંઘર્ષ બીજી રીતે વધારે મુશ્કેલ બનતો જાય છે. માનો કે કોઈ યુવાન 10-15 કરોડની સ્ટાર્ટ અપ કંપની ઊભી કરે અને તે ન ચાલે અને નુકસાન જાય તો કોઈને ખબર પણ ન પડે, પરંતુ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવારના દીકરા સાથે આવું થાય ત્યારે અખબારોમાં નામ ચમકી જાય છે. આવું જ આજના બર્થ ડે સેલિબ્રિટી સાથે થયું છે. તેમના પરિવારનું નામ ભારત સહિત વિદેશના રાજકારણમાં (Indian politics) એટલું ચમકતુ છે કે તેમની પાસેથી પહેલેથી જ ખૂબ ઊંચી અપેક્ષાઓ રાખવામાં આવી, આ અપેક્ષાઓ પર તે ખરા ઉતરી શક્યા નહીં અને સખત વિરોધ, નાલેશી, હાર અને ટીકાઓનો સામનો કરવો પડ્યો. આ યુવાને જીવનના 30 વર્ષ આ બધાનો સામનો કર્યો, પરંતુ હવે 54 વર્ષની વયે તેમને રાજકારણી તરીકે ઓળખ મળી અને તેમને સ્વીકારવામાં આવ્યા.
વર્ષ 2024 તેમને ફળ્યું અને હવે દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીની દોર તેઓ સંભાળી શકે છે તેવો વિશ્વાસ તેમણે પક્ષના અને દેશના લોકોને આપ્યો. વાત છે કૉંગ્રેસ પક્ષના સાંસદ રાહુલ ગાંધીની. (Rahul Gandhi birthday)
જવાહરલાલ નહેરુથી માંડી પિતા રાજીવ ગાંધી સુધીના પરિવારના સભ્યો હંમેશાં દેશાન સર્વોચ્ચ પદ પર રહ્યા અને એટલા માટે રાહુલનું કામ આસાન અને મુશ્કેલ બન્ને હતું. દિલ્હીમાં જન્મેલા રાહુલનો અભ્યાસ પહેલા ભારત અને પછી વિદેશમાં થયો.
વર્ષ 2004થી તે કૉંગ્રેસ પક્ષ સાથે જોડાયા અને અહીં ત્યાં દેખાવા લાગ્યા. 2009માં કૉંગ્રેસની જીતમાં તેમનું યોગદાન હતું, પણ માતા સોનિયા ગાંધી વધુ સક્રિય હોવાથી ખાસ નોંધ લેવાઈ નહીં. (nepotism in Indian politics)
2009 પછીનો સમય રાહુલ ગાંધી માટે સખત સંઘર્ષનો સમય સાબિત થયો. 2009થી 2014 સુધીમાં કૉંગ્રેસના નેતૃત્વમાં બનેલી યુપીએ પર વિરોધપક્ષ ભાજપ દ્વારા ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા અને પક્ષની પ્રતિષ્ઠા પર ભારે અસર થઈ. આ સમયે વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના એક અધ્યાદેશને જાહેરમાં ટૂકડા ટૂકડા કરી રાહુલે બાજી વધારે બગાડી. 2014માં મોદીની લહેરે કૉંગ્રેસને ધ્વસ્ત કરી. જોકે રાહુલે પરિવારની અમેઠીની બેઠક જાળવી રાખી, પણ ભાજપે સોશિયલ મીડિયા દ્વારા તેની છબિ નબળા રાજકારણી તરીકે ઊભી કરી અને રાહુલ આ નેરેટીવ સામે ખાસ લડી શક્યા નહીં. ત્યારબાદ 2019માં એનડીએ સામે કૉંગ્રેસનો રકાસ નીકળી ગયો. વર્ષ 2017માં રાહુલ કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા અને ત્યારબાદની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પક્ષના ભાગે નુકસાન સિવાય કંઈ આવ્યું નહીં. રાહુલે પદ પરથી રાજીનામું આપી હારની જવાબદારી સ્વીકારી. જોકે કેરળની વાયનાડ બેઠકથી તેઓ સાંસદ તરીકે ચૂંટાયા, પણ આ સાંસદપદ પણ જતું રહ્યું. ગુજરાતમાં મોદી સરનેમ મામલે વાંધાજનક નિવેદન બદલ તેમને દોષી ઠેરરવામાં આવ્યા અને 2023માં તેમનું સભ્યપદ ગયું. જોકે તે પહેલા દેશે એક નવો રાહુલ જોયો. રાહુલ ગાંધીએ કશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત જોડો યાત્રા કરી.
આ પણ વાંચો : J&K Terrorist Attack: ‘PMને ચીસો નથી સંભળાતી?’, વડા પ્રધાનના મૌન અંગે રાહુલ ગાંધીના સવાલ
ભાજપની નફરતની રાજનીતિ સામે હું પ્રેમની દુકાન ખોલવા આવ્યું છું તેમ કહી તેઓ જમીની નેતા બન્યા અને ગરીબ અને મધ્યમવર્ગીય જનતાને મળી તેમને પક્ષ સાથે જોડવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસ તેમને ફળ્યો ને ફરી તેમણે 2024માં યાત્રા કરી. દરમિયાન ઘણા કૉંગ્રેસી નેતાઓએ પક્ષ છોડ્યો અને કેન્દ્રીય નેતાગીરીને જવાબદાર ઠેરવી. પણ બન્ને યાત્રા, કૉંગ્રેસનું બિનભાજપી પક્ષો સાથેનું ઈન્ડિયા ગઠબંધન અને યોગ્ય રણનીતિએ પક્ષને 2024ની ચૂંટણીમાં 99 બેઠક અપાવી. જે અપેક્ષાથી ઘણી વધારે હતી અને આ હાંસિલ કરવામાં રાહુલનું યોગદાન આંખે વળગે તેવું હતું. (Waynad member of parliament)
હવે તે વાયનાડના સાંસદ છે અને 234 સાંસદની તાકાત સાથે સંસદના સત્રોમાં ત્રાટકવાની તૈયારીમાં છે. હજુ તેમણે ઘણી પરિક્ષામાં પાસ થવાનું છે, પરંતુ એમ ચોક્કસ કહી શકાય કે આ પરીક્ષાઓમાં બેસવાની પાત્રતા તેમનામાં 100 ટકા છે અને અહીં સુધી પક્ષને પહોંચાડવામાં તેમનો સંઘર્ષ તેમના ધૈર્યને આભારી છે. ત્રણ ત્રણ વડા પ્રધાનના પરિવારમાંથી આવ્યા હોવા છતાં આટલી ટીકા અને નિષ્ફળતાને પચાવવી અને તેમાંથી બહાર આવી ફરી તાકાત અને ઊર્જા સાથે નવા પડાકરો ઝીલવા તૈયાર રહેવું, તે યુવાનોને પ્રેરણા આપતું તો ખરું જ.
રાહુલને જન્મદિવસની શુભકામના.