ટોપ ન્યૂઝનેશનલ

ચારધામ યાત્રા પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ લેટેસ્ટ અપડેટ જાણી લેજો

નવી દિલ્હીઃ ઉત્તરાખંડની જગપ્રસિદ્ધ ચારધામ યાત્રા આ વખતે 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે, જેની માટે સરકારી ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઋષિકેશના યાત્રા ટ્રાન્ઝીટ કેમ્પ ખાતે વિભાગીય કમિશનરની અધ્યક્ષતામાં યાત્રા સાથે સંકળાયેલા સાત જિલ્લાના અધિકારીઓ અને પૂજારીઓની યાત્રા અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સારા પ્રવાસ વ્યવસ્થાપન અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં લોકોનું રજીસ્ટ્રેશન વીઆઈપી દર્શન અને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા. એમ જાણવા મળ્યું છે કે ચારધામ યાત્રા માટે આગામી અઠવાડિયાથી ઓનલાઇન નોંધણી શરૂ થઈ જશે.

એમ પણ જાણવા મળ્યું છે કે આ વખતે 60% રજીસ્ટ્રેશન ઓનલાઈન અને 40% રજીસ્ટ્રેશન ઓફ લાઇન કરવામાં આવશે. આ ઉપરાંત મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને અનેક સ્થળોએ હોલ્ડિંગ પોઇન્ટ પણ બનાવવામાં આવશે જ્યાં મુસાફરોને રહેવા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. ઓનલાઇન નોંધણી કરાવવા માટે ઉત્તરાખંડ પ્રવાસન વિભાગની સત્તાવાર વેબસાઈટ registrationandtouristcare.uk.gov.in પર જ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે રજીસ્ટ્રેશન બાદ મુસાફરને આપવામાં આવતા સ્લોટમાં મુસાફરીના ઓર્ડર પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે ચારધામની મુલાકાત લેનારાઓને યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના ક્રમમાં સ્લોટ આપવામાં આવશે.

Also read: ચારધામ યાત્રામાં ગંગોત્રી-યમનોત્રીમાં ફસાયેલા ગુજરાતીઓની વહારે ગુજરાત સરકાર

ઓનલાઇન રજીસ્ટ્રેશન પરથી ખ્યાલ આવશે કે આ વખતે કેટલા યાત્રાળુઓ મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. આ વખતે વીઆઈપી પ્રોટોકોલ મુજબ યાત્રાના પહેલા મહિના દરમિયાન કોઈને પણ મંદિરમાં જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જે કોઈ વીઆઈપી સામાન્ય પ્રવાસીની જેમ મુલાકાત લેવા માંગે છે તેઓ તેમ કરી શકે છે.

નોંધનીય છે કે યમનોત્રી અને ગંગોત્રી ધામના દરવાજા 30 એપ્રિલ એટલે કે અક્ષર તૃતીયાના દિવસે ખુલશે અને આ દિવસથી યાત્રા શરૂ થશે. બદ્રીનાથ ધામના દરવાજા ચાર મેના રોજ ખુલશે અને કેદારનાથ ધામના દરવાજા ખુલવાની તારીખ મહાશિવરાત્રીના દિવસે નક્કી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button