
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુપવાડાના લોલાબ જંગલ વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ગત રાતથી એન્કાઉન્ટર (Encounter in Kupwara of J&K) શરૂ થયું છે. સેના સાથે સ્થાનિક પોલીસ પણ ઓપરેશનમાં જોડાઈ છે, જંગલ વિસ્તારમાં બે આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે.
અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ ઇનપુટ્સ મળ્યા પછી, આર્મીના 28Rr અને J&K પોલીસે કુપવાડાના લોલાબના જંગલોમાં ઘેરાબંધી કરી હતી અને અને શોધખોળ શરૂ કરી હતી. સર્ચ પાર્ટી પર છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, ત્યાર બાદ એન્કાઉન્ટર શરુ થયું.
અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં ઘેરાબંધી કડક કરવામાં આવી છે. આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ ફસાયેલા હોઈ શકે છે.
આ પહેલા ગઈ કાલે મંગળવારે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.
Also Read – કાશ્મીરમાં આતંકવાદીઓને આશરો આપ્યો તો ઘરો જમીનદોસ્ત થશે: મનોજ સિંહાએ આપી ચેતવણી…
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બાંદીપોરાના ચોંટપથરી જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ પહેલા સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી. ફાયરિંગમાં એક આતંકી માર્યો ગયો, જ્યારે સેના અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક-એક જવાન ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.