ઝાકીર હુસૈનની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ થઈ, પ્રકૃતિમાં પણ સાંભળ્યા સંગીતના સૂર
તબલા ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાતે નિધન થયું છે. ગઈકાલ મોડી રાતથી તેમના નિધનના સમાચાર વહેતા થયા હતા, પરંતુ અમુક અહેવાલો અનુસાર તેમની તબિયત ખૂબ નાજૂક હતી જ્યારે અમુક અહેવાલો તેમના નિધનને પુષ્ટિ આપી રહ્યા હતા.
જોકે તેમના પરિવારે તેમના નિધન થયાની ખબરોને પુષ્ટિ આપી છે, આથી હવે ઝાકીર આપણી વચ્ચે નથી રહ્યા. તેમના નિધને લાખો સંગીતપ્રેમીઓને શોકમાં મૂકી દીધા છે.
ભારતીય ક્લાસિકલ મ્યુઝિકને વૈશ્વિક કક્ષાએ જબરી પ્રસિદ્ધિ અપાવનાર ઝાકિર હુસૈનના તબલાની થાપ શાસ્ત્રીય સંગીતની સમજ ન ધરાવનારાઓને પણ મંત્રમુગ્ધ કરતી હતી.
સંગીતકાર હંમેશાં સંગીતકાર જ હોય છે અને તેને પ્રકૃત્તિના કણકણમાં પણ સંગીત દેખાતું હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઝાકીર હુસૈનનો આ વીડિયો સાબિત કરે છે કે તેમના રગેગરમાં લોહીની જગ્યાએ સંગીતના સૂરો રેલાતા હતા.
Also Read – આ કારણે ઝાકિર હુસૈન લગ્ન અને કોર્પોરેટ કાર્યક્રમોમાં તબલા વાદન નહોતા કરતા
આ તેમણે કેપ્ચર કરેલો વીડિયો તેમના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો, જે તેમનો છેલ્લો વીડિયો હોવાનું માનવામાં આવે છે. આ વીડિયો અમેરિકાના શિકાગો શહેરનો છે જ્યાં પાનખરની ઋતુમાં જોવા મળતા ઝાડપાનને તેઓ બતાવે છે અને હવાનો જે અવાજ આવે છે તે લોકોને સંભળાવે છે.
આ વીડિયો જોઈ ફેન્સ ઈમોશનલ થઈ ગયા છે અને તેમને ગૂડ બાય મેસેજ પાઠવી રહ્યા છે.
ચાર ગ્રામી એવોર્ડ મેળવનાર પદ્મશ્રી ઝાકીર હુસૈનના છ દાયકાની સંગીતમય સફરના સાક્ષી તમામ દિગ્ગજ કલાકારોએ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.