નેશનલ

પાટનગર દિલ્હીમાંથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીની કરાઈ ધરપકડ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં લશ્કર-એ-તૈયબાના એક ખતરનાક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં કાર્યરત લશ્કર-એ-તૈયબાના આ સક્રિય આતંકવાદીની નવી દિલ્હી રેલવે સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી હતી. જેના વિશે દિલ્હી પોલીસે જાણકારી આપી હતી. આરોપી આતંકીની ઓળખ રિયાઝ અહેમદ તરીકે કરવામાં આવી છે.

દિલ્હીની રેલવે પોલીસે માહિતી આપી હતી કે આ આરોપી આતંકવાદીએ LOC પારથી હથિયારો અને દારૂગોળાની ઘૂસણખોરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આરોપી પાકિસ્તાનની સેનાનો નિવૃત સૈનિક છે. તેણે દેશની રાજધાનીમાં કયા હેતુથી ઘૂસણખોરી કરી હતી તે જાણી શકાયું નથી. જો કે હાલમાં પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

આ આતંકવાદી હેન્ડલર્સ દ્વારા LOC પારથી શસ્ત્રો અને દારૂગોળાની ઘૂસણખોરી કરવામાં આતંકવાદી ખુર્શીદ અહેમદ રાથેર અને આતંકવાદી ગુલામ સરવર રાથેર સાથે ષડયંત્રમાં પણ સામેલ હતો. તે કાશ્મીરના કુપવાડાનો રહેવાસી છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે વહેલી સવારે નવી દિલ્હી રેલવે સ્ટેશનથી તેની ધરપકડ કરી હતી.

પોલીસને તેની પાસેથી એક મોબાઈલ ફોન અને એક સિમ કાર્ડ મળી આવ્યું છે. આરોપી રિયાઝ અહેમદની ત્યાંથી જ ધરપકડ કરવામાં આવી હતી અને જમ્મુ અને કાશ્મીરના જે વિસ્તારમાં તે રહેતો હતો તે વિસ્તારના પોલીસ સ્ટેશનો પણ આ વિશે માહિતી આપવામાં આવી છે અને આતંકવાદી બીજી કંઈ કંઈ ગતિવીધિઓમાં જોડાયેલો હતો તેના વિશેની માહિતી દિલ્હી પોલીસ એકઠી કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button