
જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના પુંછમાં નિયંત્રણ રેખા(એલઓસી) નજીક આજે એક લેન્ડમાઇન વિસ્ફોટ થયો હતો, જેમાં એક સેનાનો જવાન શહીદ થયો હતો. જ્યારે ત્રણ ઘાયલ થયા હતા. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કરના પ્રોક્સી ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ (ટીઆરએફ)એ આ વિસ્ફોટની જવાબદારી લીધી છે.
સલોત્રી ગામની વિક્ટર પોસ્ટ નજીક બપોરના 12 વાગ્યે વિસ્ફોટ થયો હતો. ભારતીય સેનાના જવાનો દ્વારા પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે જમીનમાં રહેલી લેન્ડમાઈનમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે અધિકારીઓ પહોંચીને તપાસ હાથ ધરી હતી તથા ઘૂસણખોરીને રોકવા માટે પેટ્રોલિંગ વધાર્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ભારતીય સેનાના વ્હાઇટ નાઇટ કોર્પ્સે સૈનિકના શહીદ થવા પર શોક વ્યક્ત કર્યો હતો તેમ જ જણાવ્યું કે જીઓસી વ્હાઇટ નાઇટ કોર્પ્સ અને તમામ રેન્ક ૭ જાટ રેજિમેન્ટના અગ્નિવીર લલિત કુમારને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. જવાને કૃષ્ણાઘાટી બિગ્રેડના જનરલ એરિયામાં એક માઇન વિસ્ફોટ બાદ એરિયા ડોમિનેશન પેટ્રોલિંગ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આ દુઃખની ઘડીમાં અમે શોકગ્રસ્ત પરિવાર સાથે છીએ.
નોંધનીય છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન દ્વારા ભારત સામે જવાબી લશ્કરી કાર્યવાહી શરૂ કરવાનો પ્રયાસ થતાં નિયંત્રણ રેખા પર સરહદ પારથી ભારે ગોળીબાર થયો હતો. ગયા મહિને રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક આગળના વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ જોયા બાદ સેનાએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ પૂંછ, સાંબા અને કઠુઆ જિલ્લાઓ સહિત એક ડઝનથી વધુ સ્થળોએ શોધખોળ પણ હાથ ધરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સૈનિકોએ સવારે રાજૌરીના કિરી સેક્ટરના ચિંગુસ વિસ્તારમાં ગાઢ વૃક્ષો નીચે ત્રણ-ચાર લોકોની શંકાસ્પદ ગતિવિધિઓ જોઇ હતી. ત્યારબાદ સૈનિકોએ બે ડઝનથી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તેમ જ સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને ડ્રોન પણ તૈનાત કર્યા હતા. જો કે શંકાસ્પદોનો કોઇ પત્તો લાગ્યો નહોતો.