લેન્ડ ફોર જોબ સ્કેમ: EDએ લાલુ પ્રસાદના નજીકના ઉદ્યોગપતિની ધરપકડ કરી

એકે ઈન્ફોસિસ્ટમ્સના પ્રમોટર અને લાલુ પ્રસાદના નજીકના ગણાતા ઉદ્યોગપતિ અમિત કાત્યાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કથિત ‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કૌભાંડમાં કાત્યાલ અને એકે ઈન્ફોસિસ્ટમ ઈડી અને સીબીઆઈ દ્વારા તપાસ હેઠળ છે. સીબીઆઈએ આ કૌભાંડમાં પૂર્વ રેલપ્રધાન લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને બિહારના ઉપમુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. EDએ આરોપ મૂક્યો હતો કે લેન્ડ ફોર જોબ કૌભાંડમાં કુલ રૂ. 600 કરોડની ઉઘરાણી કરવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ એકે ઈન્ફોસિસ્ટમની ઓફિસ લાલુ યાદવ પરિવારના એનએફસી આવાસથી ચાલી રહી છે. ઇડીએ માર્ચમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પ્રોપર્ટીને કાગળ પર મેસર્સ એબી એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને મેસર્સ એકે ઇન્ફોસિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસ તરીકે જાહેર કરવામાં આવી છે, પરંતુ તેનો ઉપયોગ ફક્ત તેજસ્વી પ્રસાદ યાદવ દ્વારા રહેણાંક સંકુલ તરીકે કરવામાં આવી રહ્યો છે..”
સૂત્રોના જણાવ્યા મુજબ EDએ શુક્રવારે કાત્યાલની અટકાયત કરી હતી અને પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. કાત્યાલને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે, જ્યાં ED પૂછપરછ માટે તેની કસ્ટડી માંગશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાત્યાલ લગભગ બે મહિનાથી EDના સમન્સની અવગણના કરી રહ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે હાલમાં જ આ કેસમાં તેમની સામે ઈડીના સમન્સને રદ કરવાની વિનંતી કરતી તેમની અરજીને ફગાવી દીધી હતી.
કથિત કૌભાંડ જ્યારે લાલુ પ્રથમ યુપીએ સરકારમાં રેલવે પ્રધાન હતા એ સમયગાળા દરમિયાનનું છે. આરોપ છે કે 2004 થી 2009 સુધી ભારતીય રેલ્વેના વિવિધ સેક્ટરમાં ગ્રુપ ‘ડી’ પદ પર ઘણા લોકોની નિમણૂક કરવામાં આવી હતી અને તેના બદલામાં આ લોકોએ કથિત રીતે તેમની જમીન તત્કાલીન રેલ્વે પ્રધાન લાલુના પરિવારના સભ્યો અને એકે ઈન્ફોસિસ્ટમ પ્રાઈવેટ લિમિટેડને ટ્રાન્સફર કરી હતી.