Land For Job Scam: લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી શકે છે, નવી ચાર્જશીટ માટે CBIને મળી મંજૂરી
RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી શકે છે. સીબીઆઈએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટને માહિતી આપી કે નોકરી માટે જમીન કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય રેલ્વે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ સામે નવી ચાર્જશીટ દાખલ કરવા ગૃહ મંત્રાલયે મંજુરી આપી દીધી છે. જોકે સીબીઆઈના જણાવ્યા અનુસાર, રેલવેના ત્રણ અધિકારીઓ સામે હજુ સુધી મંજૂરી મળી નથી. સીબીઆઈએ કહ્યું કે બાકીની મંજૂરી એક સપ્તાહમાં મળી જાય એવી અપેક્ષા છે. આ કેસની વધુ સુનાવણી 21મી સપ્ટેમ્બરે રાખવામાં આવી છે.
નોકરી માટે જમીન કૌભાંડનો આ મામલો 2004 થી 2009 સમયગાળા દરમિયાનનો છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ તે સમયે કેન્દ્રમાં રેલવે પ્રધાન હતા. તેમના રેલ્વે પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન રેલ્વેમાં થયેલી નિમણૂંકોના બદલામાં જમીન ગિફ્ટ કરવાનો અથવા ઓછા ભાવે જમીન વેચવાનો આરોપ લાલુ યાદવ પરિવાર પર છે. સીબીઆઈ આ કેસની સતત તપાસ કરી રહી છે. ED મની લોન્ડરિંગ સંબંધિત પાસાઓની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં 3 જુલાઈ, 2023ના રોજ સીબીઆઈએ બીજી ચાર્જશીટ ફાઈલ કરી હતી, જેમાં તેજસ્વી યાદવને પહેલીવાર આરોપી બનાવવામાં આવ્યા હતા. જ્યારે તેજસ્વી યાદવનું નામ પણ આરોપી તરીકે સામેલ કરવામાં આવતા ભારે હોબાળો થયો હતો.