નેશનલ

લાલદુહોમા મિઝોરમના નવા મુખ્ય પ્રધાન બન્યા

રાજ્યપાલ હરિ બાબુએ શપથ લેવડાવ્યા

આઈઝોલઃ ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)ના નેતા લાલદુહોમાએ આજે મિઝોરમના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. મિઝોરમના રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિએ રાજભવન સંકુલમાં લાલદુહોમાને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ સવારે 11 વાગ્યે આઈઝોલમાં યોજાયો હતો. ZPMના અન્ય 11 નેતાઓએ પણ પ્રધાન તરીકે શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહ રાજભવન ખાતે યોજાયો હતો જ્યાં મિઝો નેશનલ ફ્રન્ટના નેતા અને આઉટગોઇંગ મુખ્ય પ્રધાન જોરામથાંગા પણ હાજર હતા.

40 સભ્યોની મિઝોરમની વિધાનસભામાં મુખ્ય પ્રધાન સહિત 12 પ્રધાન હોઈ શકે છે. મિઝોરમમાં 7 નવેમ્બરે તેની એક-તબક્કાની ચૂંટણી યોજાઈ હતી. જોકે, ખ્રિસ્તી બહુમતી હોવાને કારણે સંડે પ્રેયરને ધ્યાનમા રાખીને ત્યાં મત ગણતરીમાં એક દિવસનો વિલંબ કરવામાં આવ્યો હતો. મતદાન દરમિયાન રાજ્યમાં 80.66 ટકા મતદાન થયું હતું. જોરમ પીપલ્સ મૂવમેન્ટે 40 માંથી 27 બેઠકો જીતીને જંગી જીત મેળવી હતી. 2019 માં રાજકીય પક્ષ તરીકે ઉદ્ભવ થયેલા ZPMએ બહુ જ ઓછા સમયમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

હવે વાત કરીએ મિઝોરમના નવા મુખ્ય પ્રધાનની તો 74 વર્ષીય લાલદુહોમા ભૂતપૂર્વ IPS અધિકારી છે. તેઓ 1977 માં IPS માટે પસંદ થયા હતા. તેમની શાનદાર કારકિર્દી દરમિયાન, તેમણે 1982 માં ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની સુરક્ષાના ઈન્ચાર્જ તરીકે પણ સેવા આપી હતી. IPS છોડ્યા પછી તેઓ 1984માં કોંગ્રેસના સાંસદ બન્યા હતા. બાદમાં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

નવેમ્બર 1988માં પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવેલા પ્રથમ સાંસદ બન્યા હતા. લાલદુહોમાએ મિઝોરમમાં બળવાખોરીનો અંત લાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી, જેણે 1986માં મિઝોરમ શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરવાનો માર્ગ મોકળો કર્યો હતો.

બાદમાં તેણે મિઝો નેશનલ ફ્રન્ટ (રાષ્ટ્રવાદી) ની રચના કરી જેનું નામ 1997માં ઝોરામ નેશનાલિસ્ટ પાર્ટી (ZNP) રાખવામાં આવ્યું. 2003, તેમણે ZNP ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી જીતી હતી. 2017 માં ZNP ઝોરામ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)ના છ-પક્ષીય ગઠબંધનમાં જોડાઇ હતી.

2018ની મિઝોરમ વિધાનસભાની ચૂંટણીમાં, લાલદુહોમા સ્વતંત્ર વિધાન સભ્ય તરીકે ચૂંટાયા હતા, કારણ કે ZPMને હજુ સુધી ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા માન્યતા આપવામાં આવી નહોતી. 2019 માં ZPMને ​​ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષ તરીકે કાનૂની માન્યતા મળી. 2020 માં, લાલદુહોમાને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ વિધાન સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. 2021માં, તેમણે સેરછિપથી ZPM ઉમેદવાર તરીકે પેટા-ચૂંટણી લડી હતી અને જીતી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button