લાલ કિલ્લામાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો; આ રીતે ગઠિયો સેરવી ગયો સોના-હીરાનો એક કરોડનો કળશ...
Top Newsનેશનલ

લાલ કિલ્લામાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો; આ રીતે ગઠિયો સેરવી ગયો સોના-હીરાનો એક કરોડનો કળશ…

નવી દિલ્હી: લાલ કિલ્લાના પરિસરમાં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સોના અને હીરાથી મઢેલો કળશ ચોરી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ કળશની કિંમત એક કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

વેપારી સુધીર જૈને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ ચોરને ઝડપી લેવા પોલીસ તપાસ આદરી હતી. આ મામલે કાર્યવાહી કરીને પોલીસ શંકાસ્પદની ઓળખ કરી લીધી છે અને ટૂંક સમયમાં જ તેને ઝડપી લેવામાં આવે તેવી આશા સેવાઇ રહી છે.

760 ગ્રામ સોનું, 150 ગ્રામ હીરા
મળતી વિગતો અનુસાર આ ઘટના લાલ કિલ્લામાં આયોજિત જૈન ધર્મના એક કાર્યક્રમ દરમિયાન બની હતી. આ કાર્યક્રમ 28 ઓગષ્ટથી શરૂ થયો હતો અને 9 સપ્ટેમ્બર સુધી ચાલવાનો હતો, આ કાર્યક્રમ માટે વિશેષ મંચ બનાવવામાં આવ્યો હતો. માચ ઉપર માત્ર ધોતિયું અને કુર્તા પહેરલા અને મંજૂરી પ્રાપ્ત લોકોને જ બેસવાની મંજૂરી આપવામાં આવી હતી.

સુધીર જૈન નામના એક વેપારી દરરોજ ઘરેથી પૂજા માટે કિંમતી કળશ લાવતા હતા. પોલીસે આપેલી વિગતો અનુસાર આ કળશ 760 ગ્રામ સોનાથી બનેલો હતો અને 150 ગ્રામ હીરા, માણેક અને પન્ના જડેલા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર સુધીર જૈન મંગળવારે આ કળશ લઈને આવ્યા હતા અને તેમણે કળશને પૂજા સ્થળ પર મૂક્યો હતો. આજુબાજુ શ્રદ્ધાળુઓ પણ બેસી ગયા હતા, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ આ કાર્યક્રમમાં સહભાગી થવા પહોંચ્યા હતા. આથી કાર્યક્રમના આયોજકો અને અન્ય લોકોનું ધ્યાન કળશ પરથી હટી ગયું.

એક શંકાસ્પદની ઓળખ
થોડી વાર બાદ જ્યારે કળશના સ્થાન તરફ લોકોની નજર થઈ ત્યારે જોયું તો કળશ ગાયબ હતો. પહેલા તો લોકોને લાગ્યું કે કળશ ક્યાંક દબાઈ હશે પરંતુ બાદમાં તપાસ કરતાં સામે આવ્યું કે કળશની ચોરી થઈ ગઈ છે.

કેસની તપાસ માટે પોલીસે એક ટીમ બનાવી છે અને તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે એક શકાસ્પદ વ્યક્તિ ધોતી અને કુર્તા પહેરીને આયોજન સ્થળની આસપાસ ફરી રહ્યો હતો. બાદમાં તે લોકોની વચ્ચે એટલો ભળી ગયો હતો કે જેવા લોકો ઓમ બિરલાના સ્વાગતમાં વ્યસ્ત થયા કે તરત જ કળશ સેરવી ગયો હતો.

આ પણ વાંચો…લાલ કિલ્લામાં ડમી બોમ્બ ના પકડી શકનાર સાત પોલીસ કર્મી સસ્પેન્ડ, પાંચ બાંગ્લાદેશી પણ ઝડપાયા

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button