રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં નહિ જોવા મળે ‘લક્ષ્મણ’.. જાણો શું છે કારણ?

80ના દાયકામાં ઘરે ઘરે લોકપ્રિય થયેલી રામાનંદ સાગરની ‘રામાયણ’ ધારાવાહિકનું આજે પણ દર્શકોના હૃદયમાં ખાસ સ્થાન છે. રામ, સીતા, ભરત, લક્ષ્મણ, હનુમાન સહિતના પાત્રો ભજવનારા તમામ કલાકારો આજે પણ એટલા જ લોકપ્રિય છે, આથી જ આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ‘રામ’ બનેલા અરૂણ ગોવિલ અને ‘સીતા’ બનેલા દિપીકા ચીખલિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, જો કે ‘લક્ષ્મણ’ને આ પ્રસંગમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
‘રામાયણ’ ધારાવાહિકમાં ‘લક્ષ્મણ’નું પાત્ર ભજવનારા સુનિલ લહેરીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવા માટેનું આમંત્રણ મળ્યું નથી. જો કે તેઓ આ વાતથી નિરાશ નથી થયા. અભિનેતાએ કહ્યું હતું કે તમામને આમંત્રણ મળે એ જરૂરી નથી. તેમ છતાં, એ યાદગાર ક્ષણોનો બનવાનો મોકો મળ્યો હોત તો સારું થાત, તેવું સુનિલ લહેરીએ કહ્યું.
“કદાચ કાર્યક્રમના આયોજકોને લાગ્યું હશે કે લક્ષ્મણ એટલે કે મારું પાત્ર એટલું મહત્વનું નથી, એટલે જ મને ઈન્વાઈટ નથી કર્યો, કે પછી પર્સનલી તેઓ મને પસંદ નહિ કરતા હોય.” સુનિલ લહેરીએ કહ્યું.
‘જ્યારે હું રામાયણનું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે મારી પાસે લક્ષ્મણના પાત્ર માટે અગાઉનો કોઈ સંદર્ભ નહોતો અને હું જે કંઈ પણ કરી શક્યો છું તે બધું સાગર સાબ (રામાનંદ સાગર)ના માર્ગદર્શનને કારણે થયું છે. આનો શ્રેય તેમને અને ટેલિવિઝન સિરિયલના લેખકોને જાય છે, તેવું સુનિલે ઉમેર્યું હતું.