માલદીવ છોડો લક્ષદ્વીપમાં શૂટિંગ કરો, FWICE એ નિર્માતાઓને કરી અપીલ
નવી દિલ્હીઃ માલદીવના એક પ્રધાનની ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી બાદ બંને દેશઓ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. માલદીવના એક પ્રધાન મરિયમ શિયુનાએ PM મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ શેર કરેલી તસવીરો પર વાંધાજનક ટિપ્પણી કરતા વિવાદ શરૂ થયો હતો. ત્યાર બાદ માલદીવના બીજા બે પ્રધાને પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરતા વાતાવરણ ડહોળાયું હતું. વધતા વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ ચીનના ખોળે જઇ બેસી ગયા છે.
દરમિયાનમાં આ વધતા વિવાદ વચ્ચે, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ એટલે કે FWICE એ તમામ ફિલ્મ નિર્માતાઓ અને નિર્માતાઓને માલદીવનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. ભારત અને માલદીવના વિવાદ વચ્ચે દરેકના મનમાં એક જ સવાલ ઘુમરાઇ રહ્યો હતો કે ફિલ્મ મેકર્સના ફેવરિટ લોકેશનમાંના એક માલદીવમાં ફિલ્મોનું શૂટિંગ થશે નહીં? હવે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ એટલે કે FWICE એ પણ એક પ્રેસ રિલીઝ જારી કરીને નિર્માતાઓને માલદીવમાં શૂટિંગ ન કરવાની અપીલ કરી છે. તેમણે એક સલાહ પણ આપી છે. FWICE એ કામદારો, ટેકનિશિયન અને કલાકારોની સૌથી જૂની અને સૌથી મોટી સંસ્થા છે. આદરણીય PM નરેન્દ્ર મોદી અંગે માલદીવના મંત્રીઓની બેજવાબદાર અને ખોટી ટિપ્પણીઓની નિંદા કરવાનો નિર્ણય કર્યો છે.
FWICE એ એક પ્રેસ રિલીઝ બહાર પાડી છે અને કહ્યું છે કે FWICE એ માલદીવના નેતાઓ દ્વારા વૈશ્વિક સ્તરે આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં માલદીવનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. અખબારી યાદીમાં માલદીવના ત્રણ પ્રધાનોએ આપેલા અપમાનજનક નિવેદનનું વર્ણન કરવામાં આવ્યું છે.