લક્ષદ્વીપની કાયાપલટ કરશે ઇઝરાયલ, ખતમ થશે માલદિવ્સની બાદશાહત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટાપુઓની મુલાકાત પછી માલદીવના પ્રધાનો દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓને લઈને ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી વિવાદ વચ્ચે, ભારતમાં ઇઝરાયેલી દૂતાવાસે સોમવારે લક્ષદ્વીપમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનું સમર્થન કર્યું હતું.
માલદીવ અને ભારત વચ્ચેના લક્ષદ્વીપ વિવાદમાં હવે ઈઝરાયલે પણ એન્ટ્રી લીધી છે. લક્ષદ્વીપના વખાણ કરતા તેમણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં જ ત્યાં ડિસેલિનેશન પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છે. આ એક એવી ટેકનોલોજી છે જેનો સીધો સંબંધ પ્રવાસન સાથે છે. દરિયા કિનારે આવેલા મોટાભાગના પ્રવાસન સ્થળો પર ડિસેલિનેશન થઈ રહ્યું છે. લક્ષદ્વીપમાં આવું પ્રથમ વાર થશે.
નોંધનીય છે કે પીએમ મોદીએ કેટલાક દિવસ પહેલા લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાંના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીને લોકોને ત્યાં જવાની અપીલ કરી. આ પછી તરત જ માલદિવ્સના કેટલાક મંત્રીઓએ જાતિવાદી ટિપ્પણીઓ કરી હતી. ત્યારથી ટ્વિટર પર યુદ્ધ ચાલી રહ્યું છે. સ્થિતિ એટલી બગડી કે માલદીવ સરકારે તે મંત્રીઓને સસ્પેન્ડ કરવા પડ્યા. હકીકત એ છે કે દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતીયો માલદિવ્સ જાય છે. વર્ષ 2021માં 2 લાખ 93 હજાર ભારતીયો માલદિવ્સના પ્રવાસે ગયા હતા. વર્ષ 2022માં 2 લાખ 41 હજાર પ્રવાસીઓ અને 2023 સુધીમાં 1 લાખ 93 હજાર પ્રવાસીઓ ત્યાં ગયા હતા, પણ માલદિવના મંત્રીઓની અભદ્ર ટિપ્પણી બાદ બહુ ઓછા ભારતીયો ત્યાં જવાનું પસંદ કરશે.
આ દરમિયાન ઈઝરાયેલે પણ યુદ્ધમાં ઝંપલાવતા મોટી જાહેરાત કરી છે. ભારતમાં ઇઝરાયેલી દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે, તેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ લક્ષદ્વીપને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના પ્રોજેક્ટ પર કામ કરવા તૈયાર છે. આ કામ માટે તેઓ એક વર્ષ પહેલા પણ લક્ષદ્વીપ ગયા હતા.
લક્ષદ્વીપની તસવીરો તો મોદીએ હાલમાં સોશિયલ મીડિયા પર મૂકી, પણ લક્ષદ્વીપનો વિકાસ અને તેને વિશ્વના શ્રેષ્ઠ ટાપુના રૂપમાં સ્થાપિત કરવા સરકારના પ્રયાસો ચાલુ છે. ઇઝરાયલ ભારતનો મિત્ર દેશ છે. ઈઝરાયલ ટેક્નિકલ બાબતોમાં ઘણું આગળ છે. તે લક્ષદ્વીપમાં ડિસેલિનેશન પ્રક્રિયા દ્વારા ખારા પાણીની અશુદ્ધિઓને દૂર કરશે અને તેને સ્વચ્છ પાણીમાં રૂપાંતરિત કરશે. આ સાથે, સ્વચ્છ અને શુદ્ધ પાણીની સમસ્યા દૂર થશે. 2017માં મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન તેમણે ત્યાં આ પ્રકારની ખૂબ જ આધુનિક ટેક્નોલોજી જોઈ હતી. આ પછી લક્ષદ્વીપ અને આંદામાન માટે પણ આ પ્રક્રિયા પર ચર્ચા કરવામાં આવી હતી.
ઇઝરાયલ એક એવો દેશ છે જેનો મોટો ભાગ રણ પ્રદેશ છે. દર વર્ષે દુકાળનો સામનો કરતા ઇઝરાયલે એક નવી ટેક્નિક લાવી. તેણે ડિસેલિનેશન દ્વારા દરિયાના ખારા પાણીને પીવા લાયક બનાવવાનું શરૂ કર્યું. આ ટેક્નિકની મદદથી ઇઝરાયલ તેની જરૂરિયાત કરતાં 20 ટકા વધુ પાણીનું ઉત્પાદન કરી રહ્યું છે અને જોર્ડન જેવા દુષ્કાળથી પીડિત પડોશી દેશોને પણ પાણી પૂરું પાડી રહ્યું છે.
કોઇ પણ ટાપુને પર્યટન સ્થળ બનાવવા માટે ત્યાં પીવાલાયક પાણી હોવું જરૂરી છે. ઘણા ટાપુ દેશોએ તેમના પોતાના ડિસેલિનેશન પ્લાન્ટ્સ સ્થાપિત કર્યા છે. માલદીવ સંપૂર્ણ રીતે પર્યટન પર નિર્ભર હોવાથી ત્યાં નેવુંના દાયકામાં ડિસેલિનેશન પ્લાન્ટ્સ બનાવવામાં આવ્યા છે, જોકે ત્યાં પીવાના પાણી માટે ભારે કિંમત ચૂકવવી પડે છે.