નેશનલ

નાનો ભાઈ હજુ તો છે પણ…ટનલમાં ફસેયાલા મજૂરોના પરિવારોના જીવ અધ્ધરતાલ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટનાને લગભગ 150 કલાક વીતી ગયા છે. સુરંગની અંદર 41 કામદારો ફસાયેલા છે. તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, પરંતુ મજૂરો અને તેમના પરિવારોની હિંમતની કસોટી થઈ રહી હોય તેમ રોજ કોઈને કોઈ નવી સમસ્યા આવીને ઊભી રહે છે. પરિવારના સભ્યોને બચાવ કામગીરીની જાણકારી આપવામાં આવી રહી છે.

બિહારનો એક મજૂર સુશીલ શર્મા પણ સુરંગમાં ફસાયેલો છે અને બહાર તેનો મોટો ભાઈ હરિદ્વાર શર્મા તેના બહાર આવવાની રાહ જોઈ રહ્યો છે. મીડિયા સાથે વતા કરતા હરિદ્વાર શર્માએ કહ્યુ કે મારો નાનો ભાઈ સુરંગની અંદર ફસાયેલો છે. આજે સાત દિવસ થઈ ગયા છે, કંપની અને સરકાર કંઈ કરતા દેખાતા નથી. મેં આજે મારા ભાઈ સાથે વાત કરી, તેણે કહ્યું કે અમારી હિંમત તૂટી રહી છે. પરિસ્થિતિ બહુ ખરાબ છે. સહનશીલતાની પણ એક સીમા હોય છે.

હરિદ્વાર શર્માએ જણાવ્યું કે જે કંપની હેઠળ કામદારો કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા તે કંપનીએ પણ સાચા જવાબ આપ્યા નથી. કંપનીના લોકો કહે છે કે અમે લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જોકે તેમના દાવા અનુસાર છેલ્લા 24 કલાકથી બચાવ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે અને કોઈ નવું મશીન આવ્યું નથી. અમને માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે મશીન આવી રહ્યું છે. પરંતુ મશીન ક્યારે આવશે તેની કોઈને ખબર નથી.

પરિવારના બીજા સભ્યએ જણાવ્યું કે જ્યારે મેં સવારે મારા ભાઈ સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે અમે અત્યાર સુધી ઠીક છીએ, પરંતુ પરિસ્થિતિ સતત બગડતી જઈ રહી છે. તેણે અન્ય લોકો વિશે પણ કહ્યું કે તેઓ પણ ઠીક છે. અમે પણ સતત આશ્વાસન આપી રહ્યા છીએ.

સુરંગમાં છેલ્લા છ દિવસથી ફસાયેલા 41 કામદારોને બહાર કાઢવાની રાહ જોઈ રહ્યા છે. કાટમાળને તોડીને કામદારો સુધી પહોંચવા માટેનો રસ્તો બનાવવાના કામમાં અવરોધ ઉભો થયો છે. શનિવારે સવારે ઉત્તરકાશી જિલ્લા ઇમરજન્સી કંટ્રોલ રૂમમાંથી મળેલી માહિતી મુજબ ટનલમાં ડ્રિલિંગનું કામ હાલ રોકાયેલું છે.

બરાબર દિવાળીના દિવસે 12 નવેમ્બરની સવારની દુર્ઘટના બાદથી ચાલી રહેલા બચાવ અભિયાન વિશે માહિતી આપતાં, નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL)ના ડિરેક્ટર અંશુ મનીષ ખલકોએ શુક્રવારે સાંજે કહ્યું હતું કે કાટમાળમાં ડ્રિલિંગ કરીને ચાર છ મીટર લાંબા પાઇપો નાખવામાં આવી હતી. પાંચમાં પાઈપને નાખવાની કામગીરી ચાલી રહી છે.

દેશ આખો આવતીકાલે રમાનારી ક્રિકેટ મેચના જુવાળમા છે ત્યારે ટનલમાં ફસાયેલી આ 41 જિંદગી માટે પણ પ્રયત્નો અને સાથે પ્રાર્થનાની જરૂર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button