ચાલુ ટ્રેનમાં ઉપડી પ્રસવ પીડા: પ્રિમેચ્યોર બાળકીનો થયો જન્મ, જાણો સમગ્ર ઘટનાક્રમ…

નવી દિલ્હી: યાત્રીઓની સેવા માટે ભારતીય રેલવે હંમેશા ખડેપગે રહે છે. આ વાતનું ઉદાહરણ પૂરી પાડતી એક ઘટના સામે આવી છે. એક ચાલુ ટ્રેનમાં મહિલાની સુવાવડ થઈ હતી. આ ઘટનાની જાણ થતા રેલેવ વિભાગનો મેડિકલ સ્ટાફ તાત્કાલિક આ મહિલાની વહારે તાત્કાલિક આવ્યો હતો અને મદદ કરી હતી. સમગ્ર ઘટનાક્રમ શું છે, આવો જાણીએ.
મધ્ય પ્રદેશ જઈ રહ્યું હતું દંપતી
મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના સિટોલી ગામના રહેવાસી અભિલાષા અને જવાહરલાલ કાશ્મીરમાં રહીને કામ કરતા હતા. અભિલાષા ગર્ભવતી હતી. તેની પ્રસુતિનો સમય નજીક આવી રહ્યો હતો. તેથી આ દંપતીએ પોતાના ગામે પહોંચવાનું નક્કી કર્યું હતું. 1 જાન્યુઆરીના રોજ કટરા-જબલપુર એક્સપ્રેસના S-5 કોચમાં બેસીને અભિલાષા અને જવાહરલાલ મધ્ય પ્રદેશ આવવા માટે રવાના થયા હતા.

અભિલાષાને ઉપડી પ્રસવ પિડા
કટરા-જબલપુર એક્સપ્રેસે જ્યારે દિલ્હી પસાર કર્યું ત્યારે અભિલાષાને પ્રસવ પીડા ઉપડી હતી. તુગલકાબાદ રેલવે સ્ટેશન પછી પ્રસવ પીડા અસહ્ય થઈ ગઈ હતી. જોકે, અભિલાષાની ગર્ભાવસ્થાને હજુ આઠ જ મહિના થયા હતા. અભિલાષાની વધતી પ્રસવ પીડાને જોઈને જવાહરલાલે કોચમાં હાજર મહિલાઓની મદદ માંગી હતી. કોચમાં હાજર મહિલાઓને અંદાજ આવી ગયો હતો કે, અભિલાષાની સુવાવડ થવાની છે. જેથી તેમણે યાત્રીઓની મદદથી સીટોને ચારે તરફથી પડદો કરી દીધો અને બાકીના લોકોને બીજી બાજુ મોકલી દીધા હતા.
મહિલાઓએ ટ્રેનમાં કરાવી સુવાવડ
મહિલાઓએ પોતાની પાસે હાજર ચાદલ, શાલ અને ધાબડા વડે અભિલાષાને ઢાકી દીધી હતી. કેટલીક અનુભવી મહિલાઓની મદદથી ચાલુ ટ્રેનમાં સલામત રીતે અભિલાષાની સુવાવડ થઈ હતી. અભિલાષાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ ટ્રેનમાં હાજર યાત્રીઓએ રેલવે વિભાગને જાણ કરી હતી. જેથી રેલવે પ્રશાસન આગળના ફરિદાબાદ સ્ટેશન પર મદદે આવ્યો હતો.

ફરિદાબાદ સ્ટેશને આવ્યો મેડિકલ સ્ટાફ
ઉલ્લેખનીય છે કે, ફરિદાબાદ રેલવે સ્ટેશન પર હાજર રેલવે વિભાગના મેડિકલ સ્ટાફની મહિલા તબીબે માતા અને નવજાતની તપાસ કરી હતી અને ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. રેલવે વિભાગના અધિકારીઓના જણાવ્યાનુસાર, માતા અને નવજાત બાળકી બંને સંપૂર્ણરીતે સલામત છે. આ સંપૂર્ણ ઘટનામાં ટ્રેનમાં હાજર યાત્રીઓ અને રેલવે વિભાગની માણસાઈ સામે આવી છે.



