‘ફ્લાઇટમાં હતો, જ્યારે મને ખબર પડી કે કુસ્તી સંઘને…’ સસ્પેન્શન પર સંજય સિંહે આપી આ પ્રતિક્રિયા
નવી દિલ્હી: ભારતીય રમતગમત મંત્રાલય દ્વારા કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવાના નિર્ણયના વિરોધમાં સંજયસિંહ તેના સાથીદારો સાથે કોર્ટમાં ધા નાખી શકે છે. તેમની સાથે સંકળાયેલા એક સૂત્રનું માનીએ તો કાયદાકીય બાબતો સંભાળતી ટીમ દ્વારા આ સમગ્ર મામલે કોર્ટમાં કાર્યવાહી કઇ રીતે કરી શકાય તે અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે.
રમતગમત મંત્રાલયના WFI પર એક્શન બાદ સંજયસિંહની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. સંજય સિંહે જણાવ્યું હતું કે તેમને હજુ સંપૂર્ણ રીતે આદેશની વિગતોની જાણ નથી. તેમને કોઇ પત્ર મળ્યો નથી. તેઓ ફ્લાઇટમાં હતા જ્યારે તેમને આ વાતની ખબર પડી. આથી હાલમાં કોઇ પ્રતિક્રિયા આપી શકાય તેમ નથી.
WFIના પૂર્વ અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના કેસરગંજથી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાને મળવા પહોંચ્યા હતા. જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરીને તેઓ હવે કોઇ મોટી જાહેરાત કરે તેવી શક્યતાઓ છે.
જો કે કુસ્તી સંઘને ચલાવવા માટે જે એડહોક કમિટી બનાવવામાં આવી હતી, તે કાર્યરત રહેશે. સંજય સિંહે ચૂંટણી જીત્યા બાદ તરત તેને બરખાસ્ત કરી દીધી હતી પરંતુ હવે રમતગમત મંત્રાલયના સૂત્રો મુજબ આ કમિટીના સંરક્ષણમાં કુસ્તી સંઘ કામ કરશે. અમુક અહેવાલો જણાવી રહ્યા છે કે કુસ્તી સંઘને બરખાસ્ત નહિ, પરંતુ સસ્પેન્ડ કરવામાં આવ્યું એનો અર્થ એ થયો કે તેમણે ચોક્કસ નિયમપાલન સાથે કામ કરવું પડશે.
હાલમાં જ કુસ્તી સંઘની ચૂંટણીમાં જીતેલા સંજય સિંહ પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના ગણાય છે. મહિલા પહેલવાન અનિતા શ્યોરાણને હરાવીને તેઓ ચૂંટણી જીત્યા હતા. જો કે તેમના ચૂંટણી જીતવાને પગલે કુસ્તીના ખેલાડીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સાક્ષી મલિકે કુસ્તી છોડવાનું એલાન કરી દીધું, બજરંગ પુનિયાએ પદ્મશ્રીનું સન્માન પાછું આપી દેવાની જાહેરાત કરી હતી.
કુસ્તી સંઘની ચૂંટણીમાં જીત બાદ સંજય સિંહે પોતાના સભ્યો ધરાવતું એક જૂથ બનાવ્યું હતું અને એડહોક કમિટી દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર રોક લગાવી દીધી. તેમણે યુપીના ગોંડામાં કુસ્તી સ્પર્ધા યોજવાની જાહેરાત કરી. જેનો સાક્ષી મલિકે વિરોધ કર્યો હતો. સંજય સિંહના આવા અનેક નિર્ણયોને પગલે કુસ્તી સંઘને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. રમતગમત મંત્રાલયે જણાવ્યું હતું કે નિયમોની અવગણના કરીને અધ્યક્ષ દ્વારા નિર્ણયો લેવામાં આવ્યા હતા. હાલ પૂરતું કોઇપણ પ્રકારની પ્રવૃત્તિઓ સંઘમાં થશે નહિ, જરૂરી તમામ બાબતોનું સંચાલન એડહોક કમિટી દ્વારા જ થશે.