ભાજપ કવિ કુમાર વિશ્વાસને રાજ્યસભામાં મોકલશે! ઉત્તર પ્રદેશ ભાજપે તૈયાર કરી યાદી
લખનઉ: ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની 10 બેઠકો ખાલી થવાની છે. રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ પર વિચાર વિમર્શ કરવા માટે 35 નામોની પેનલ તૈયાર કરી છે. સુધાંશુ ત્રિવેદીને ફરીથી રાજ્યસભામાં મોકલવાની દરખાસ્ત કરવામાં આવી છે, આ પેનલે કુમાર વિશ્વાસના નામ પર પણ ચર્ચા કરી છે.
ગઈ કાલે સોમવારની સાંજે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નિવાસસ્થાને ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવનાર નામ પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપે સાત બેઠકો માટે 35 ઉમેદવારોની પેનલ તૈયાર કરી છે, એવી ચર્ચા છે કે કુમાર વિશ્વાસનું નામ પણ પેનલમાં રાખવામાં આવ્યું છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.
ઉત્તર પ્રદેશના રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે કુમાર વિશ્વાસ ગાઝિયાબાદથી લોકસભા ચૂંટણી લડશે. તેમને રાજ્યસભામાં મોકલવામાં આવશે કે પછી તેઓ લોકસભાની ચૂંટણી લડશે તેના પર સસ્પેન્સ યથાવત છે.
ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની 10 બેઠકો ખાલી પડી રહી છે, જેમાંથી 7 બેઠકો ભાજપના ખાતામાં છે, જ્યારે સમાજવાદી પાર્ટીના ખાતામાં બે બેઠકો આવશે નક્કી છે, સમાજવાદી પાર્ટી ત્રીજી સીટ જીતી શકે છે પરંતુ જો ભાજપ ત્રીજી સીટ માટે લડવા ઈચ્છે છે તો તે પોતાનો આઠમો ઉમેદવાર ઉતારી શકે છે.
મુખ્ય પ્રધાન યોગીના નિવાસસ્થાને આયોજિત આ બેઠકમાં બંને નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક ઉપરાંત દેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી અને સંગઠન મહાસચિવ ધરમપાલ સિંહ પણ હાજર હતા. ટૂંક સમયમાં જ આ તમામ 35 નામો સેન્ટ્રલ કમિટી પાસે મોકલવામાં આવશે. જેમાંથી 7 નામો પર ભાજપ હાઈકમાન્ડ મહોર મારશે.