ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સેંગરને મળ્યા જામીન: પરંતુ જેલની બહાર નહીં આવી શકે, કારણ કે…

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશનો ઉન્નાવ રેપ કેસ એક બહુચર્ચીત કેસ છે. જૂન 2017માં એક સગીર છોકરીએ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર દ્વારા પર તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસની CBI તપાસમાં ધારાસભ્ય કુલદીપ સેંગર ગુનેગાર સાબિત થયા હતા. જેને લઈને તેઓને આજીવન કારાવાસની સજા તથા 25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે, તાજેતરમાં કુલદીપ સેંગરની આ સજાને સસ્પેન્ડ કરવામાં આવી છે અને જામીન આપવામાં આવ્યા છે.
કુલદીપ સેંગરને મળ્યા શરતી જામીન
ઉન્નાવ રેપ કેસને લઈને નીચલી કોર્ટે ગુનેગાર કુલદીપ સેંગરને આજીવન કારાવાસની સજા તથા દંડ ફટકાર્યો હતો. કુલદીપ સેંગરે નિચલી કોર્ટના ચૂકાદાને પડકારતી એક અરજી દિલ્હી હાઈ કોર્ટમાં દાખલ કરી હતી. આ અરજીને લઈને દિલ્હી હાઈ કોર્ટ મોટો ચૂકાદો આપ્યો છે. દિલ્હી હાઈ કોર્ટ દ્વારા ઉન્નાવ રેપ કેસના મુખ્ય ગુનેગાર કુલદીપ સેંગરની આજીવન કારાવાસની સજાને સસ્પેન્ડ કરવામાં આવી છે.
દિલ્હી હાઈ કોર્ટે કુલદીપ સેંગરને જામીન પણ આપી દીધા છે. પરંતુ જામીન આપવાની સાથોસાથ દિલ્હી હાઈ કોર્ટે કુલદીપ સેંગર સામે કેટલીક શરતો પણ રાખી છે. જો કુલદીપ સેંગર શરતોનું ઉલ્લંઘન કરશે, તો જામીન રદ્દ કરવામાં આવશે.
જેલની બહાર નહીં આવે કુલદીપ સેંગર
દિલ્હી હાઈ કોર્ટ દ્વારા શરતી જામીન મળ્યા હોવા છતાં પણ કુલદીપ સેંગર જેલની બહાર નહીં આવી શકે. કારણ કે, એપ્રિલ 2018 પીડિતાના પિતાનું પોલીસ કસ્ટડીમાં પોલીસના ઢોર મારને મૃત્યુ થયું હતું. આ કસ્ટોડિયલ ડેથને લઈને 2020માં કુલદીપ સેંગર અને અન્ય સહ-આરોપીઓને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ સજાને લઈને દિલ્હી હાઈ કોર્ટ દ્વારા જામીન મળ્યા હોવા છતાં પણ કુલદીપ સેંગર જેલની બહાર આવી શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે, કુલદીપ સિંહ સેંગર ભાજપના નેતા હતા. તેઓ ઉત્તર પ્રદેશની બાંગરમઉ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય પણ હતા. પરંતુ ઉન્નાવ રેપ કેસને લઈને ભાજપે તેઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.



