નેશનલ

રાજસ્થાનના કોટામાં બિલ્ડિંગ ધરાશાયી થતા બેના મોત, અનેક ઘાયલ

કોટા: રાજસ્થાનના શૈક્ષણિક હબ ગણાતા કોટા શહેરમાં શનિવારે મોડી રાત્રે એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત એવા તલવંડી વિસ્તારમાં આવેલી એક ત્રણ માળની ઇમારત અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. આ બિલ્ડિંગમાં એક રેસ્ટોરન્ટ કાર્યરત હોવાથી અકસ્માત સમયે ત્યાં મોટા પ્રમાણમાં લોકોની હાજરી હતી. આ અકસ્માતની જાણ થતા જ પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બિલ્ડિંગ ધરાશાયી થતા જ કાટમાળ નીચે અનેક લોકો દબાયા હતા. વહીવટી તંત્ર દ્વારા જેસીબી મશીનોની મદદથી તાત્કાલિક કાટમાળ હટાવવાનું કામ શરૂ કરાયું હતું. અત્યાર સુધીમાં કુલ 15 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અન્ય 13 ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે રેસ્ક્યુ ટીમે સમયસર પહોંચીને વધુ લોકોને બચાવી લીધા હતા, જોકે બચાવ કામગીરી દરમિયાન એક જવાન પણ ઇજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ છે.

આ ભયાનક અકસ્માત પાછળનું પ્રાથમિક કારણ આસપાસમાં ચાલતું બાંધકામ હોવાનું માનવામાં આવે છે. જિલ્લા કલેક્ટર પીયૂષ સમારિયાના જણાવ્યા અનુસાર, ધરાશાયી થયેલી ઇમારતની બાજુમાં જ એક જૂની બિલ્ડિંગને તોડવામાં આવી રહી હતી. આ પ્રક્રિયાને કારણે હાલની ઇમારતનો પાયો નબળો પડી ગયો હતો અને પરિણામે આખી ઇમારત નમી પડીને તૂટી પડી હતી. હાલ તંત્ર દ્વારા આ મામલે ઉંડાણપૂર્વકની તપાસના આદેશ આપવામાં આવ્યા છે જેથી જવાબદારો સામે કાર્યવાહી થઈ શકે.

આ દુર્ઘટના પર લોકસભા સ્પીકર અને કોટાના સાંસદ ઓમ બિરલાએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે તેઓ સતત જિલ્લા વહીવટી તંત્રના સંપર્કમાં છે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે સૂચનાઓ આપી છે. રાજ્યના કેબિનેટ મંત્રી મદન દિલાવર અને ઉર્જા મંત્રી હીરાલાલ નાગરે પણ હોસ્પિટલની મુલાકાત લઈ ઘાયલોના ખબર-અંતર પૂછ્યા હતા. સરકારે અસરગ્રસ્ત પરિવારોને પૂરેપૂરી મદદ કરવાની ખાતરી આપી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button