
કોલકાતાઃ કોલકાતાના જાણીતા આરજી કર રેપ અને મર્ડર કેસ અંગે મહત્વના સમાચાર આવ્યા છે. કોર્ટે આ કેસમાં આરોપી સંજય રૉયને દોષિત જાહેર કર્યો છે. તેને સજાની જાહેરાત સોમવારે કરવામાં આવશે. ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ તેને દોષી જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : તમિલનાડુમાં ‘જલ્લીકટ્ટુ’ અને ‘મંજુવિરટ્ટુ’ના કાર્યક્રમમાં સાતનાં મોતઃ અનેક ઘાયલ
નોંધનીય છે કે ગયા વર્ષે 9 ઑગસ્ટના રોજ કોલકાતાની આરજી કાર હૉસ્પિટલના સેમિનાર હૉલમાં એક મહિલા તાલીમાર્થી ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે મહિલા ટ્રેઇની ડૉક્ટર પર પહેલા બળાત્કાર અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ ડૉક્ટરોએ લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પ. બંગાળની આરોગ્ય સેવાઓ પણ ઠપ્પ થઇ ગઇ હતી.
આ પણ વાંચો : મહાકુંભમાં સૌથી મોટો અખાડો કયો, જાણો તેનો ઇતિહાસ
પોલીસે 10 ઑગસ્ટે સીસીટીવી ફૂટેજ અને ગુનાસ્થળેથી મળેલા પુરાવાઓને આધારે સંજય રૉયની ધરપકડ કરી હતી. કોલકાતા હાઇ કોર્ટના આદેશ પર સીબીઆઇએ આ કેસ પોતાના હાથમાં લીધો હતો. સીબીઆઇએ પણ તેની ચાર્જશીટમાં સંજય રૉયને મુખ્ય આરોપી ગણાવ્યો હતો અને તેની માટે મૃત્યુદંડની માગણી કરી હતી.