Kolkata rape case: આરોપી સંજય રૉયનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ થશે, પૂર્વ પ્રિન્સપાલ પર સવાલોનો મારો

કોલકાતા: આખા દેશમાં જે ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે અને ઘટનાની બહાર આવતી અમુક વિગતોથી સૌ કોઈ ચોંકી ગયા છે તે કોલકાત્તા બળાત્કાર અને હત્યા કેસમાં હવે આરોપીના લાઈ ડિટેક્ટર ટેસ્ટની મંજૂરી મળી હોવાની ખબર સૂત્રો દ્વારા મળી છે.
આ ઘટનાના આરોપી સંજય રૉયનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. સીબીઆઈએ સંજય રોય પર પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી છે અને સીબીઆઈએ સિયાલદહ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરી છે. પોલિગ્રાફ ટેસ્ટ માત્ર કોર્ટ અને આરોપીની સંમતિથી જ કરવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટેસ્ટ કરાવવા માટે કોર્ટ તરફથી પરવાનગી મળી ગઈ છે. હવે સીબીઆઈ આ ટેસ્ટ વહેલી તકે કરાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે પણ આ ટેસ્ટ થઈ શકે છે. વાસ્તવમાં સીબીઆઈ ઈચ્છે છે કે સંજય આ ઘટનાની મહત્વની કડી છે અને આ ટેસ્ટ દ્વારા તેની પાસેથી સત્ય જાણી શકાશે, તેવો વિશ્વાસ સીબીઆઈને છે.
દરમિયાન મેડિકલ કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સપાલ સંદીપ ઘોષની સીબીઆઈ ચાર દિવસની પૂછપરછ કરી રહી છે. સીબીઆઈએ તેમને તમામ મોરચે ઘેર્યા છે અને ઘટનાની રાત્રે અને ત્યારબાદ તેમની ભૂમિકા શું રહી છે તે અંગે સવાલોનો મારો કર્યો છે.
આ પણ વાંચો :કોલકાતા બળાત્કાર-હત્યા મામલે સુપ્રીમ કોર્ટ હસ્તક્ષેપ કરે…વકીલોએ CJIને લખ્યો પત્ર
યુવતીના બળાત્કાર અને હત્યાના જઘન્ય અપરાધમાં દિવસે દિવસે ખુલતી વિગતો દેશમાં મેડિકલ કૉલેજોની હાલત અને વ્યવસ્થાઓ મામલે ઘણા સવાલો ઊભા કરે છે.
આખા દેશમાં મેડિકલ સ્ટુડન્ટ્સ સહિત અન્ય લોકોમાં પણ ભારે રોષ છે. ડોક્ટરોની હડતાળને લીધે દરદીઓ પણ પરેશાન છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીને વિરોધપક્ષ ભાજપ ભીંસમાં લઈ રહ્યો છે. આટલી ગંભીર ઘટના રાજકીય રીતે પણ જોવાઈ રહી છે ત્યારે સત્ય બહાર આવે તેવી દેશવાસીઓ આશા સેવી રહ્યા છે, જેથી ગુનેગારોને સજા મળે અને પીડિત યુવતી અને તેનાં પરિવારને ન્યાય મળે