ઓફીસમાંથી રજા ન મળી તો સહકર્મીઓ પર ચાકુ વડે હુમલો કર્યો! કોલકાતાનો ચોંકાવનારો બનાવ…
કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. નોકરીમાંથી રજા ન મળતાં એક સરકારી કર્મચારીએ ઓફિસમાં હોબાળો મચાવ્યો, એટલું જ નહીં તેણે સહકર્મીઓ પર ચાકુથી હુમલો (Kolkata Stabbing case) કર્યો. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે. હુમલો કર્યા બાદ, આરોપી હાથમાં લોહીથી ખરડાયેલુ ચાકુ લઈને રસ્તાઓ પર નીકળી પડ્યો, જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. હુમલો કરનાર કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે.
Also read : હાથમાં AK-47 સાથે ફૂટબોલ મેચ! આ વિડીયો અફઘાનીસ્તાન નહીં ભારતનો જ છે
આરોપીની ઓળખ અસિત સરકાર તરીકે થઈ છે, જે ન્યૂટાઉન વિસ્તારમાં આવેલા કારીગોરી ભવનમાં રાજ્ય સરકારનો કર્મચારી છે. હુમલાની ઘટના ગઈ કાલે ગુરુવારે બની હતી. આ ઘટના પછી, આરોપી શહેરના રસ્તાઓ પર લોહીથી ખરડાયેલુ ચાકુ લઇને ફરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર આરોપી હાથમાં છરી લઈને રસ્તા પર ફરતો હોવાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો:
વીડિયોમાં આરોપી લોકોને ધમકાવતો પણ જોઈ શકાય છે. તેણે લોકોને તેની નજીક ન આવવા ચેતવણી આપી. ટ્રાફિક પોલીસના એક કર્મચારીએ તેને ચાકુ નીચે મૂકવા કહ્યું આમ છતાં આરોપીએ થોડા સમય માટે ચાકુ હાથમાં રાખ્યું, પરંતુ પછીથી તેને ફેંકી દીધું. આ પછી પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો. હાલમાં ટેક્નો સિટી પોલીસ સ્ટેશન દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી રોષે કેમ ભરાયો?
ઘટનાની માહિતી મુજબ અસિત સરકારે ઓફિસમાં રજા માટે અરજી કરી હતી, પરંતુ તેને નકારી કાઢવામાં આવી હતી. જેના પગલે સહકર્મીઓ સાથે તેનો ઝઘડો થયો. કથિત રીતે આરોપીના પિતા વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી. આનાથી તે ગુસ્સે થઈ ગયો અને તેણે આ હુમલો કર્યો. ગુસ્સે ભરાયેલા આરોપીએ બપોરે 12 વાગ્યે ઓફિસની અંદર ઘુસીને ચાકુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓફિસના એક સિક્યોરિટી ગાર્ડ સહીત ત્રણ લોકોને ઈજા થઈ હતી.
Also read : બિહારના ગયામાં જેડીયૂ નેતાની ગોળી મારી હત્યાઃ ત્રણ પકડાયા
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનામાં ઘાયલ થયેલા બે લોકોની હાલત ગંભીર છે. આરોપી અસિત સરકાર ટેકનિકલ શિક્ષણ વિભાગમાં કામ કરે છે. તે ઉત્તર 24 પરગણા જિલ્લાના સોદેપુરના ઘોલાનો રહેવાસી છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીનું માનસિક સંતુલન ઠીક નથી. આમ છતાં, પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.