કોલકાત્તા હાઈ કોર્ટના જજે વકીલની ધરપકડ કરાવી તો બાર એસોસિએશને કર્યો જજનો બહિષ્કાર….
કોલકાતા: કલકત્તા હાઈ કોર્ટના ન્યાયાધીશના કોર્ટરૂમમાં જજની અવમાનના કરવાની બાબતમાં વકીલની કોર્ટ રૂમમાંથી જ ધરપકડ કરવાના આદેશથી ભારે વિવાદ સર્જાયો છે અને બાર એસોસિએશન હવે આ જજ સંબંધિત તમામ કાર્યવાહી બોયકોટ કરવા માટે તૈયાર થયો છે. આ એજ ન્યાયાધીશ અભિજીત ગંગોપાધ્યાય છે જેમણે ભૂતકાળમાં પોતાની કોર્ટમાં ચાલી રહેલા કેસ માટે ટીવી ચેનલોને ઇન્ટરવ્યુ આપ્યા હતા અને તેના માટે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી.
જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાય સોમવારે પશ્ચિમ બંગાળ મદ્રેસા સેવા આયોગ સંબંધિત કેસની સુનાવણી કરી રહ્યા હતા. ત્યારે એડવોકેટ પ્રોસેનજીત મુખર્જી કોર્ટરૂમમાં હાજર હતા અને અહેવાલ છે કે જસ્ટિસ ગંગોપાધ્યાયને કોર્ટરૂમમાં તેમનું વર્તન પસંદ ન આવતા તેમણે તરત જ કોર્ટના શેરિફને બોલાવ્યા અને વકીલ પ્રોસેનજીત મુખર્જીને સિવિલ જેલમાં મોકલવા કહ્યું હતું. વકીલે તેના વર્તન બદલ માફી માંગી હોવા છતાં ન્યાયાધીશે પોતાનો નિર્ણય બદલ્યો ન હતો.
ત્યારબાદ મોડી સાંજે થયેલી સુનાવણીમાં વકીલ મુખર્જીએ જસ્ટિસ હરીશ ટંડન અને જસ્ટિસ હિરણ્મય ભટ્ટાચાર્યની ડિવિઝન બેંચને કહ્યું હતું કે તેમને આશંકા છે કે તેમને ફરીથી અટકાયતમાં લેવામાં આવી શકે છે. ત્યારબાદ ખંડપીઠે વકીલને ત્રણ દિવસ માટે સિવિલ જેલમાં કેદ કરવાના જસ્ટિસ ગંગોપાધ્યાયના આદેશ પર સ્ટે આપ્યો હતો. બેન્ચે કહ્યું હતું કે અમે કાયદાથી અજાણ નથી કે ન્યાયના વહીવટની અખંડિતતા જાળવવી એ ન્યાયતંત્રની સ્વતંત્રતા જાળવવાનું એકમાત્ર કાર્ય છે.
આ દરમિયાન બાર એસોસિએશને કોલકત્તા હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ ટી.એસ. શિવગનમને જસ્ટિસ ગંગોપાધ્યાય પાસેથી તમામ ન્યાયિક કામ પાછું ખેંચી લેવા વિનંતી કરી હતી. જો કે વકીલોના સંગઠને કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ એડવોકેટ મુખર્જી અને બારની માફી નહીં માંગે ત્યાં સુધી એસોસિએશનનો કોઈ સભ્ય જસ્ટિસ ગંગોપાધ્યાયની કોર્ટમાં કેસની કાર્યવાહી માટે જશે નહિ.