નેશનલ

કોલકાતા ગેંગરેપ કેસ: પોલીસે ક્રાઈમ સીનનું રિક્રિએશન કરાવ્યું, કોલેજ શરુ કરવા કોર્ટમાં અરજી

કોલકાતા: ગત વર્ષે કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે બાળાત્કાર અને હત્યાના કેસને કારણે દેશભરમાં આઘાતની લાગણી ફેલાઈ ગઈ હતી, હવે ફરી કોલકાતામાં એક હચમચાવી દેનાર ઘટના (Kolkata Rape case) બની છે. 25 જુનના રોજ કોલકાતાની ‘સાઉથ કોલકાતા લો કોલેજ’માં એક વિદ્યાર્થીની પર ગેંગરેપની ઘટના બની હતી. આ મામલે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. ઘટનાના 10 દિવસ પછી, પોલીસે આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. બીજી તરફ કોલેજ પ્રશાસને શિક્ષણકાર્ય ફરી શરુ કરવા કોર્ટમાં અરજી કરી છે.

વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારવાના આરોપ હેઠળ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મનોજીત મિશ્રા, વર્તમાન વિદ્યાર્થી પ્રમિત મુખર્જી અને ઝૈબ અહેમદની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સિક્યોરિટી ગાર્ડ પિનાકી બેનર્જીની ફરજમાં બેદરકારી બદલ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે ત્રણેય મુખ્ય આરોપીઓની પોલીસ કસ્ટડી 8 જુલાઈ સુધી લંબાવી છે.

ઘટનાનું રિકન્સ્ટ્રકશન:

ગઈ કાલે શનિવારે પોલીસે આરોપીઓને ક્રાઈમ સીન પર લઇ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસે 3D મેપિંગ અને પીડિતાના નિવેદનના આધારે આ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. પોલીસે એકત્ર કરેલા પુરાવાઓની ખાતરી માટે આ રિકન્સ્ટ્રકશન કરવવામાં આવ્યું હતું. પીડિતાના મેડિકલ ટેસ્ટના રિપોર્ટમાં પણ આરોપોની પુષ્ટિ કરવામાં આવી છે.

કોલેજ ફરી શરુ કરવા કોર્ટ સમક્ષ અરજી:

નોંધનીય છે કે કોલેજમાં બનેલી આ જઘન્ય ઘટના બાદ 29 જૂને એક જાહેરનામું બહાર પાડીને તમામ વર્ગો અનિશ્ચિત સમય માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે કોલેજ ફરી શરુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. કોલેજ પ્રશાસને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે કેમ્પસ ફરી ખોલવા અલીપુર કોર્ટ પાસે પરવાનગી માંગી હતી.

કોલેજ પ્રશાસને કોર્ટમાં દલીલ કરી હતી કે 200 થી વધુ વિદ્યાર્થીઓએ ટૂંક સમયમાં સેમેસ્ટર પરીક્ષા ફોર્મ ભરવાના છે, કર્મચારીઓના પગાર પણ બાકી છે, તેથી કોલેજ ખોલવી જરૂરી છે.

ભયભીત પીડિતા કોલેજ ફરવા તૈયાર નથી:

આ ભયાનક ઘટના બાદ પીડિતા કોલેજ પરત ફરવા તૈયાર નથી. પશ્ચિમ બંગાળ મહિલા આયોગના જણાવ્યા મુજબ પીડિતાના મિત્રોએ કમિશનને કહ્યું હતું કે, “તે હવે આ કોલેજમાં પાછા ફરવા તૈયાર નથી. જો શક્ય હોય તો, તેને કલકત્તા યુનિવર્સિટી હેઠળની કોઈ અન્ય લો કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવે.”

કમિશને રાજ્ય સરકારને ભલામણ કરી છે કે પીડિતાને માનસિક કાઉન્સેલિંગની સાથે એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ જ્યાં તે માનસિક રીતે સ્વસ્થ રહીને પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે.

બંગાળમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા અંગે પ્રશ્નો:

પીડિતાના પિતાએ ગુનેગારો માટે કડકમાં કડક સજાની માંગ કરી છે. અધિકારીઓએ દાવો કર્યો છે કે તેઓ આ કેસને શક્ય તેટલી વહેલી તકે મજબૂત ચાર્જશીટ સાથે કોર્ટમાં રજૂ કરશે જેથી પીડિતાને ન્યાય મળી શકે. આ ઘટના બાદ માત્ર કોલકાતામાં જ નહીં પરંતુ સમગ્ર બંગાળમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા છે.

આ પણ વાંચો…કોલકાતા ગેંગરેપ કેસનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, સીબીઆઈ દ્વારા તપાસની માંગ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button