Kolkata Building Collapse: કોલકાતામાં નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી, 2ના મોત

કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતા(Kolkata)માં ગત મોડી રાત્રે એક નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી(Building Collapse) થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જયારે 10 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હજુ રહાત અને બચાવ કાર્ય ચાલુ છે.
અધિકારીઓએ સોમવારે સવારે જણાવ્યું કે ગાર્ડન રીચ વિસ્તારમાં હજારી મુલ્લા બાગાનમાં સ્થિત પાંચ માળની બિલ્ડીંગ મોડી રાત્રે ધરાશાયી થઈ ગઈ. કાટમાળ નીચે કેટલાક લોકોના દટાઈ ગયા હતા, જાણકારી મળતા જ સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.
કોલકાતાના મેયર ફિરહાદ હકીમે આજે સવારે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને મૃતકોના નજીકના સંબંધીઓને 5 લાખ રૂપિયા વળતર અને ઘાયલ લોકોને 1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગ ધરાશાયી થતાં પહેલા થોડા કોંક્રીટના ટુકડા પડ્યા હતા. મોડી રાત્ર બિલ્ડીંગ જોરદાર અવાજ સાથે ધરાશાયી થઇ હતી. આ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ઇમારતનો કાટમાળ નજીકની ઝૂંપડપટ્ટીઓ પર પણ પડ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ વિસ્તારમાં ઘણા ગેરકાયદે બાંધકામો ચાલી રહ્યા છે, જેમાં કેટલાકને શહેરના વહીવટીતંત્રની મદદ મળી રહી છે.
ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઈન્દ્રનીલ ખાને આક્ષેપ કર્યો હતો કે ધરાશાયી થયેલી બિલ્ડીંગ પણ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી રહી છે. શહેરમાં આવા બાંધકામને મંજૂરી આપવા બદલ તેમણે કોલકાતા પોલીસ અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનને જવાબદાર ઠેરવ્યા હતા
પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા સુભેન્દુ અધિકારીએ X પર એક પોસ્ટમાં લખ્યું કે “હું પશ્ચિમ બંગાળના ગૃહ સચિવ અને કોલકાતાના પોલીસ કમિશનરને વિનંતી કરું છું કે પશ્ચિમ બંગાળ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સની ટીમ સાથે સંકલન કરીને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરે.”