કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં લાખો ભક્તોએ કર્યું વિશાળ ભગવદ્ ગીતા પઠન

કોલકાતાઃ કોલકાતાના પ્રખ્યાત બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશાળ ભગવદ્ ગીતા પઠન કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળ અને પડોશી રાજ્યોના સાધુઓ અને સાધ્વીઓ સહિત લાખો ભક્તોએ ભાગ લીધો હતો. આ જાણકારી કાર્યક્રમના આયોજકોએ આપી હતી.
આયોજકોએ જણાવ્યું કે ભગવા વસ્ત્રો ધારણ કરેલા સાધુઓએ કાર્યક્રમ સ્થળ પર ગીતાની નકલોમાંથી એક સ્વરમાં શ્લોકોનું પઠન કર્યું હતું.
આપણ વાચો: ગીતા મહિમા : આસ્તિકતાનું ઊંડાણ
પ્રાપ્ત માહિતી અનુસાર આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદાર, ભૂતપૂર્વ સાંસદ લોકેટ ચેટર્જી અને ધારાસભ્ય અગ્નિમિત્ર પોલ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કાર્તિક મહારાજ તરીકે જાણીતા સ્વામી પ્રદિપ્તાનંદ મહારાજ અને ધીરેન્દ્ર શાસ્ત્રી સહિત અનેક અગ્રણી ધાર્મિક મહાનુભાવોએ ભાગ લીધો હતો.
‘પાંચ લાખ લોકોના અવાજમાં ગીતા પઠન’ નામનો આ કાર્યક્રમ સનાતન સંસ્કૃતિ સંસદ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જે વિવિધ મઠો અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓમાંથી આવેલા સાધુઓ અને આધ્યાત્મિક ગુરુઓનું એક ગ્રુપ છે. મોટી સંખ્યામાં યુવક-યુવતીઓની ભીડે શંખ અને જયઘોષ વચ્ચે ભગવાન કૃષ્ણના નામના જાપ કર્યા હતા.
રાજ્યપાલ સી વી આનંદ બોઝે સભાને સંબોધિત કરતાં ભગવદ્ ગીતાનું પઠન કર્યું હતું તેમ જ શાંતિ અને અહિંસા વિશે વાત પણ કરી હતી. પ્રદિપ્તાનંદ મહારાજે કહ્યું કે લાખો લોકોનો મેળાવડો સ્વયંભૂ થયો હતો. તેમાં કોઇ પણ રાજકીય પક્ષની કોઇ ભૂમિકા ન હતી.



