કોચીમાં એસએફઆઇ કાર્યકરો અને વકીલો વચ્ચે અથડામણમાં ૨૦ ઘાયલ…

કોચીઃ કોચીમાં વકીલો અને વિદ્યાર્થીઓના એક જૂથ(જે કથિત રીતે એસએફઆઇ કાર્યકરો છે) વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં ૨૦ લોકો ઘાયલ થયા હતા. આ માહિતી પોલીસે શુક્રવારે આપી હતી.
આ ઘટના એર્નાકુલમ જિલ્લા કોર્ટ પરિસરમાં જિલ્લા બાર એસોસિએશનના વાર્ષિક કાર્યક્રમ દરમિયાન બની હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ અથડામણમાં ૧૬ એસએફઆઇ કાર્યકરો અને ૮ વકીલો ઘાયલ થયા હતા. વકીલોએ આરોપ લગાવ્યો કે એસએફઆઇ કાર્યકરોએ બાર એસોસિએશનના વાર્ષિક કાર્યક્રમમાં બળજબરીથી ઘૂસીને હંગામો કર્યો હતો. તેમના મતે મુશ્કેલી ત્યારે શરૂ થઇ જ્યારે મહારાજા કોલેજના વિદ્યાર્થીઓ કાર્યક્રમ સ્થળમાં ઘૂસી આવ્યા હતા.
જો કે એસએફઆઇ કાર્યકરોએ આરોપ લગાવ્યો કે વકીલોની ગેરવર્તણૂંકને કારણે આ સમસ્યા ઉભી થઇ હતી. તેમણે દાવો કર્યો કે કથિત રીતે નશામાં ધૂત વકીલોએ વિદ્યાર્થીઓને હેરાન કર્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓએ આ વર્તન પર સવાલ ઉઠાવ્યા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે દરમિયાનગીરી કરનારા પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા હતા.
એક અધિકારીએ જણાવ્યું કે એર્નાકુલમ ડિસ્ટ્રિક્ટ બાર એેસોસિએશને એક બેઠક બોલાવી હતી. જેમાં આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવનાર હતો. જો કે એર્નાકુલમ સેન્ટ્રલ પોલીસે જણાવ્યું કે હજુ સુધી કોઇ કેસ નોંધવામાં આવ્યો નથી, પરંતુ પ્રાથમિક તપાસ ચાલી રહી છે.
આપણ વાંચો : કર્ણાટકના ચિક્કમગલુરુમા મોટો અકસ્માત, બસ ઢોળાવ પર બનેલા ઘર પર પડી, અનેક લોકો ઘાયલ