ભારત બીજા દેશને કેમ બ્રહ્મોસ વેચી શક્તું નથી? જાણો શું છે કારણ

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. ભારતની કાર્યવાહીથી રઘવાયા બનેલા પાકિસ્તાને ભારતના કેટલાક શહેરોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. જોકે ભારતની આધુનિક ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના તમામ હુમલા નિષ્ફળ કર્યા હતા.
ભારતે પાકિસ્તાન પર 11 બ્રહ્મોસ મિસાઈલ છોડી હતી, જેનાથી 11 એરબેસ તબાહ થયા હતા. સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસના આ વિનાશક પરાક્રમે દુનિયાને દેખાડી દીધું છે કે ભારત હવે વિદેશી સંરક્ષણ ઉત્પાદનો પર જ નિર્ભર નથી, પરંતુ તે દેશમાં બનેલા હથિયારોથી પણ દુશ્મનને પાછો હટવા પર મજબૂર કરી શકે છે.
આપણ વાંચો: ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા
બ્રહ્મોસ મિસાઇલ દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રુઝ મિસાઇલોમાંની એક છે. તેની સાથે જ તેનું નિશાન પણ એકદમ સચોટ છે. બ્રહ્મોસ પોતાના નિર્ધારિત લક્ષ્યના એક મીટરના ઘેરાવામાં જઈને હિટ કરે છે, જે તેને અચૂક બનાવે છે.
બ્રહ્મોસની આ સફળતા પછી દુનિયાના ઘણા દેશોમાંથી આ મિસાઇલ ખરીદવાની માંગ આવવા લાગી છે. ખાસ વાત એ છે કે ઘણા મુસ્લિમ દેશોએ પણ બ્રહ્મોસમાં પોતાની રુચિ દર્શાવી છે.
આપણ વાંચો: ભારતની બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના 11 એરબેઝનો બોલાવી દીધો કચ્ચરઘાણ, જુઓ લિસ્ટ
ફિલિપાઇન્સ સાથે થયો હતો સૌથી પહેલો સોદો
ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદનાર સૌથી પહેલો દેશ ફિલિપાઇન્સ હતો. ફિલિપાઇન્સે 2022માં બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ સાથે 37.4 કરોડ ડોલરનો સોદો કર્યો હતો. ભારતે તાજેતરમાં જ એપ્રિલ, 2025માં આ મિસાઇલનો બીજો જથ્થો ફિલિપાઇન્સને પહોંચાડ્યો હતો. આ પછી ભારત અને વિયેતનામ વચ્ચે પણ બ્રહ્મોસ મિસાઇલને લઈને ડીલ થઈ હતી.
આ દેશોમાંથી પણ આવી રહી છે માંગ
બ્રહ્મોસ મિસાઇલની તાકાત જોયા પછી દુનિયાના ઘણા દેશોમાંથી બ્રહ્મોસને લઈને માંગ આવી રહી છે. તેમાં ઘણા મુસ્લિમ દેશો પણ સામેલ છે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં બ્રહ્મોસ મિસાઇલને લઈને ડીલ ફાઇનલ પણ થઈ શકે છે.
આ ઉપરાંત વિયેતનામ પણ પોતાની સેના અને નૌકાદળ માટે બ્રહ્મોસ મિસાઇલ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. આ દેશો ઉપરાંત થાઇલેન્ડ, સિંગાપોર, બ્રુનેઈ, બ્રાઝિલ, ચિલી, આર્જેન્ટિના, વેનેઝુએલા, ઇજિપ્ત, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કતાર અને ઓમાન જેવા દેશોએ પણ તેમાં રુચિ દર્શાવી છે.

આપણ વાંચો: બંગાળની ખાડીમાં ઇન્ડિયન નેવીએ બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
ભારતને લેવી પડે છે આ દેશની મંજૂરી
બ્રહ્મોસ મિસાઇલ ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે. આ ડીલ હેઠળ ભારતમાં બ્રહ્મોસ એરોસ્પેસની સ્થાપના કરવામાં આવી હતી, જે આ મિસાઇલ બનાવવાનું કામ કરે છે. નિષ્ણાતોનું માનીએ તો બ્રહ્મોસ મિસાઇલની ટેક્નોલોજીમાં 50-50 ટકા ભારત અને રશિયાની ભાગીદારી છે. એવામાં ભારત જો કોઈ દેશને આ મિસાઇલ વેચવા માંગે છે તો તેને રશિયા પાસેથી આ અંગે મંજૂરી લેવી પડે છે.