એન્કાઉન્ટરને લઈ શું હોય છે પોલીસનો પ્રોટોકૉલ? જાણો સૌથી પહેલા ક્યાં મારવામાં આવે છે ગોળી
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં 13 ઓક્ટોબરે દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન હિંસા થઈ હતી. હિંસા એટલી વધી ગઈ કે મામલો ફાયરિંગ સુધી પહોંચી ગયો. જેમાં ગોપાલ મિશ્રા નામના 22 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે અનેક લોકો સામે કેસ નોંધ્યો હતો. જેમાં કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
હિંસામાં હત્યાનો આરોપી સરફરાઝ નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન પોલીસે તેનું એન્કાઉન્ટર કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ગોળી આરોપી સરફરાઝના પગમાં વાગી છે. ચાલો જાણીએ પોલીસ એન્કાઉન્ટરનો પ્રોટોકોલ શું છે અને એન્કાઉન્ટરમાં પોલીસની બંદૂકમાંથી નીકળેલી પહેલી ગોળી ક્યાં વાગવી જોઈએ.
એન્કાઉન્ટર બે પ્રકારના હોય છે
ભારતમાં પોલીસ બે રીતે એન્કાઉન્ટર કરે છે. પ્રથમ, જ્યારે કોઈ ગુનેગાર પોલીસ અથવા સુરક્ષા દળોની કસ્ટડીમાંથી છટકી જવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં પોલીસ તેને પકડવા માટે એન્કાઉન્ટર કરે છે.
બીજો રસ્તો એ છે કે જ્યારે પોલીસ ગુનેગારને પકડવા જાય છે અને આવી સ્થિતિમાં ગુનેગાર ધરપકડથી બચવા ભાગી જાય અને પોલીસ પર હુમલો કરે છે. તેથી આવી સ્થિતિમાં પોલીસથી બચવા અને તેને પકડવા માટે વળતી કાર્યવાહી કરવી પડે છે અને એન્કાઉન્ટર કરે છે.
આપણ વાંચો: બહરાઇચ હિંસાઃ રામગોપાલ મિશ્રાને ગોળી મારનારા આરોપીનું એન્કાઉન્ટર, આ દેશમાં ભાગવાની હતી યોજના
પગમાં મારવાની હોય છે ગોળી
ભારતના બંધારણમાં એન્કાઉન્ટરનો ઉલ્લેખ નથી. પરંતુ પોલીસ અને સુરક્ષાદળો આ શબ્દનો ઉપયોગ કરે છે. જ્યારે અપરાધી અને આતંકવાદીઓ પોલીસ કે સુરક્ષાદળોની કસ્ટડીમાં હોય અને તેમાંથી ભાગવાની કોશિશ કરે ત્યારે સૌથી પહેલા પોલીસ તેને ચેતવણી આપે છે.
પરંતુ તેમ છતાં ગુનેગાર માને નહીં અને ભાગવાની કોશિશ કરે તો આ સ્થિતિમાં પોલીસ અને સુરક્ષાદળો તેમના પગમાં ગોળી મારે છે. જેની પાછળનો હેતુ તે ભાગી ન શકે તેવો હોય છે પરંતુ જો સ્થિતિ કાબુ બહાર જાય તો આ સ્થિતિમાં પોલીસનું નિશાન પગ ઉપરાંત શરીરનો અન્ય કોઈ હિસ્સો પણ હોય છે અને આ પ્રકારના એન્કાઉન્ટમાં ગુનેગારનું મોત પણ થઈ શકે છે.
કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીઝર એટલે કે સીઆરપીસીની કલમ 40 અંતર્ગત એ વાત સુનિશ્ચિત કરવામાં આવે છે કે જો કોઈ ગુનેગાર ધરપકડથી બચવા માટે ભાગવાની કોશિશ કરે અથવા પોલીસની કસ્ટડીમાંથી ભાગે કે પોલીસ પર હુમલો કરે તો આ સ્થિતિમાં પોલીસ પાસે જવાબી કાર્યવાહી કરવાનો અધિકાર છે.