જાણો નવી દિલ્હી અને રાજ્યોમાં ઠંડીનો કહેર કેવો રહેશે…..

નવી દિલ્હી: આ વર્ષે શિયાળાની શરૂઆત ઘણી મોડી થઈ. કાશ્મીર જેવા શહેરોમાં પણ આ વખતે ઘણો મોડી હીમ વર્ષા શરૂ થઈ અને તેના કારણે આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો. જો કે ઉત્તર ભારતના રાજ્યો હાલમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઠંડીની સાથે સાથે વાતારણમાં રહેલો ધુમ્મસ પણ લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના રાજ્યોને ઠંડી અને ધુમ્મસથી હાલ કોઈ રાહત મળશે નહિ. તેમજ આગામી પાંચ દિવસ સુધી ઉત્તર ભારતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે. અને ત્રણ દિવસ સુધી ઠંડીનો ચમકારો પણ યથાવત રહેશે.
આજે એટલે કે 20 જાન્યુઆરીના રોજ દેશની રાજધાની નવી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 07 ડિગ્રી અને મહત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. નવી દિલ્હીમાં દિવસ દરમિયાન ગાઢ ધુમ્મસ છવાયેલો રહેશે અને આખો દિવસ ઠંડી વાળું વાતાવરણ રહેશે. આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 21 જાન્યુઆરીએ પણ ઠંડી યથાવત રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 20 જાન્યુઆરીના રોજ એટલે કે આજે લખનઉમાં લઘુત્તમ તાપમાન 07 ડિગ્રી અને મહત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. તેમજ 21 જાન્યુઆરીના રોજ લખનઉમાં ગાઢ ધુમ્મસ છવાયેલો રહેશે. તેમજ ઠંડી પણ યથાવત રહેશે. આ ઉપરાંત ગાઝિયાબાદની વાત કરીએ તો અહીં લઘુત્તમ તાપમાન 07 ડિગ્રી અને મહત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. આ સાથે ગાઝિયાબાદમાં પણ ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળશે.
સ્કાયમેટની આગાહી અનુસાર ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુના દક્ષિણ કિનારાના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે લક્ષદ્વીપ, દક્ષિણ કેરળ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં હળવો વરસાદ પડી શકે છે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ભાગોમાં સવાર અને રાત્રિના કલાકો દરમિયાન એક અથવા બે સ્થળોએ અને ઉત્તરાખંડ અને ઉત્તર રાજસ્થાનમાં એક અથવા બે સ્થળોએ ગાઢ ધુમ્મસ છવાયેલો રહેશે.