એક જાટ નેતા ઉપરાષ્ટ્રપતિ કઈ રીતે બન્યા, જગદીપ ધનખડ અંગે જાણો 10 અજાણી વાતો?
વકીલાતથી લઈને રાજ્યપાલ તરીકેની સફર સફળ રહી...

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રની સોમવારથી શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસે જ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધેલા એક પત્રમાં તેમણે નાદુરસ્ત તબિયતનો ઉલ્લેખ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે રાષ્ટ્રપતિનો તેમના સહયોગ અને સૌહાર્દપૂર્ણ સંબંધો માટે આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના ખબર અંતર પૂછ્યા હતા. તો ચાલો જગદીપ ધનખડ વિશેની કેટલીક રસપ્રદ વાતો જાણીએ…
જગદીપ ધનખડનો જન્મ 1951 માં રાજસ્થાનના કિથાના ગામમાં થયો હતો. ખેડૂત પરિવારમાં ઉછરેલા જગદીપને શાળાએ જવા માટે તેમના ગામથી છ કિલોમીટર ચાલીને જતાં હતાં. બાદમાં, તેઓ સૈનિક શાળામાં વધુ અભ્યાસ માટે ચિત્તોડગઢ ગયા હતાં.

ચિત્તોડગઢમાં શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યુ અને જયપુરની મહારાજા કોલેજમાંથી ભૌતિકશાસ્ત્રમાં બીએસસીનો અભ્યાસ કર્યો છે.
કાયદા અને બંધારણમાં રસ પડ્યો હોવાથી રાજસ્થાન યુનિવર્સિટીમાંથી 1978-79માં LLB ની ડિગ્રી મેળવી અને તે જ વર્ષે બારમાં પ્રવેશ મેળવ્યો હતો.
જગદીપ શરૂઆતમાં રાજસ્થાન હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી અને પછી મુખ્યત્વે સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ રાજસ્થાન હાઈકોર્ટ બાર એસોસિએશનના સૌથી યુવા પ્રમુખ તરીકે પણ જાણીતા છે.

જગદીપ ધનખડે 1989માં જનતા દળ પક્ષમાંથી ટિકિટ ળઈને ઝુનઝુનુ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1990માં તેમણે સંસદીય બાબતોના રાજ્ય પ્રધાન તરીકે સેવાઓ આપી હતી
રાજ્યમાં પોતાની લોકપ્રિયતાના કારણે 1993માં રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં અજમેર જિલ્લાની કિશનગઢ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત મેળવી હતી. પીવી નરસિંહારાવ વડા પ્રધાન બન્યા ત્યારે જગદીપ કોંગ્રેસમાં જોડાયા હતાં.
જગદીપ ધનખડ હંમેશા રાજસ્થાનમાં એક પ્રભાવશાળી જાટ નેતા તરીકે જાણીતા છે. તેમણે રાજ્યમાં જાટ અનામત મુદ્દામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
જગદીપ ધનખડે પોતાની રાજકીય કારકિર્દીના શરૂઆતના દિવસોમાં નાયબ વડા પ્રધાન ચૌધરી દેવી લાલથી પ્રભાવિત થયા હતાં. રાજકારણમાં તેમણે સારી એવી પ્રસિદ્ધિ મેળવી છે.
પોતાની કારકિર્દીમાં જગદીપ RSS નેતાઓ વિરુદ્ધ અનેક કાનૂની કેસ પણ લડ્યા હતા. આવો જ એક કેસ RSS નેતા ઇન્દ્રેશ કુમાર વિરુદ્ધ હતો. જો કે, 2003માં જગદીપ ધનખડ ભાજપમાં જોડાઈ ગયાં હતા.

જગદીપ ધનખડને 2019 માં બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જુલાઈમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલા તેમણે રાજીનામું આપી દીધું હતું.