કિશ્તવાડમાં વાદળ ફાટ્યાના પાંચમાં દિવસે પણ 70થી વધુ લોકો લાપતા! અત્યાર સુધીમાં 62ના મોત

કિશ્તવાડ: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ (Kishtwar cloudburst) જિલ્લામાં વાદળ ફાટ્યું હોવાથી ભારેથી અતિભારે વરસાદ નોંધયો હતો. જેના કારણે ભૂસ્ખલન થયું અને અનેક લોકોના આ દુર્ઘટનામાં મોત પણ થયાં હતા. અત્યારે પાંચ દિવસ બાદ પણ તંત્ર દ્વારા રાહતની કામગીરી કરવામાં આવી રહી છે. 14મી ઓગસ્ટે બપોરે આ વિસ્તારમાં વાદળ ફાટ્યું હતું જેના કારણે આખો વિસ્તાર તબાહ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 62 લોકોના મોત થયું હોવાની જવાબદાર તંત્ર દ્વારા પૂષ્ઠિ કરવામાં આવી છે. આ સાથે હજી પણ 70થી વધારે લોકો લાપતા હોવાની આશંકા છે.
30થી વધારે લોકોની હાલત અત્યારે પણ અત્યંત ગંભીર
ભૂસ્ખલન થયું હોવાના કારણે આખું ગામ તબાહ થઈ ગયું હતું. આમાં 100થી પણ વધારે લોકો ઘાયલ થયાં હતા. જેમાંથી અત્યારે પણ 30થી વધારે લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ભૂસ્ખલનના કારણે પત્થર, વૃક્ષો, ઘર અને પુલ બધું જ તણાઈ ગયું હતું. આ ઘટનામાં અનેક શ્રદ્ધાળુઓ પણ લાપતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. અહીં આવેલા મચૈલ માતાના મંદિરમાં દર વર્ષે યાત્રા યોજાય છે અને મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. મહત્વની વાત એ છે કે, આ મંદિર શ્રદ્ધાળુઓ માટે માત્ર દોઢ મહિનો જ ખુલ્લુ રહે છે.
સીએમ ઉમર અબ્દુલ્લાએ પણ આ વિસ્તારની મુલાકાત લીધી

આ મંદિરની વાત કરવામાં આવે તો, માતાજીના મંદિરે દર્શન કરવા માટે ભક્તોએ 8 કિલોમીટરનો રસ્તો પાર કરીને જવું પડતું હોય છે. વાદળ ફાટ્યું ત્યારે કેટલાક ભક્તો મંદિર બાજુ જઈ રહ્યાં છે, જ્યારે કેટલાક ભક્તો મંદિરે દર્શન કરીને પાછા આવી રહ્યાં હતાં. જેથી અનેક ભક્તો લાપતા થયા હોવાની આશંકા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે તંત્ર દ્વારા બચાવકાર્ય કરવામાં આવી રહ્યું છે. આ ઘટના બન્યા બાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લાએ પણ આ વિસ્તારની મુલાકાત લીધી અને પીડિત પરિવારો મળ્યાં હતા. અત્યારે યુદ્ધના ધોરણે બચાવકાર્ય ચાલી રહ્યું છે.